News of Monday, 21st October 2024
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરાનો ૪૧ મા પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ....

પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકાનું મોરડુંગરા - સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પરમોચ્ચ સ્થાન છે. કુણ નદીના કાંઠે વસેલા મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આજથી ૪૧ વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. ઉતરોત્તર હરિભક્તોની સંખ્યા વધતાં ૨૨ વર્ષ પહેલાં વિશાળ જમીન લઇ નૂતન મંદિરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને બિરાજમાન કર્યા હતા.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરામાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના ૪૧ મા પાટોત્સવ પર્વે ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, આરતી, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો વગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.
આ પ્રસંગે પૂજનીય સંતોએ જણાવ્યું હતું કે, ભગવાન ભજવા માટે તેમજ જીવનમાં શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવા માટે મંદિરોના નિર્માણ કર્યા છે. દરેક દેહધારી ત્રિવિધ તાપમાં તપે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપને ટાળવા માટે ભગવાનનું ભજન, કથાવાર્તા, સત્સંગ જરૂરી છે. જીવનમાં સુસંસ્કાર, સદ્ગુણોની વૃદ્ધિ થઈ શકે તેવા ઉમદા હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું છે.
આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમહાલ જિલ્લાના મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ધર્મતનયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને દેશ વિદેશના વિશાળ હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરાનો ૪૧ મો પાટોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
