<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

સુરતના ઉધના વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર નજીક કારમાંથી 31 લાખની ચોરી કરી ગઠીયા ફરાર: નાકાબંધી

પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા:પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ

સુરત :શહેરના ઉધના વિસ્તારમાં 31 લાખ રૂપિયાની ચોરીની ઘટના બની છે. જેમાં ફોરવ્હીલ ગાડીમાં લોક વગર રૂપિયા મૂકવામાં આવ્યા હતા, આ દરમ્યાન બે શખ્શો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસ દ્વારા હાલ આ મામલે અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિરની સામે એક ભાઈ કલેક્શનના પૈસા લઈને ફોરવ્હીલ ગાડીમાં મુક્યા હતા અને ગાડીમાં લોક કર્યું નહતું અને પોતાના કામથી બહાર ગયા હતા. આ સમયે પાછળથી આવીને કોઈ બે વ્યક્તિ આ પૈસા ચોરી કરીને ત્યાંથી જતા રહ્યા છે.  

બે શખ્શો મત્તા લઈને બાઈક પર ગયા હોવાથી હાલ નાકાબંધી માટે મેસેજ મોકલી દેવામાં આવ્યો છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમની પાસે 31 લાખ રૂપિયા હતા, જેથી એટલી રકમની જ ચોરી થઈ હોવાનું જણાય છે. આરોપીએ કંઈ રીતે ચોરીને અંજામ આપ્યો? તે તમામ બાબતો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ ઘટના લૂંટની નહીં પરંતુ ચોરીની છે. ગાડીમાં કોઈપણ જાતના લોક વિના રૂપિયા મૂક્યા હતા. આવી બેદરકારીના કારણે બે લોકોને ચોરી કરવાનો મોકો મળી ગયો. આ પૈસા મોબાઈલ શૉપમાં અલગ-અલગ જગ્યાએ વેચાણ થતા હોય તેના કલેક્શનના હોવાનું માલૂમ પડ્યું છે.

(8:27 PM IST)