<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ધોરણ-૧૦, ૧૨ની પરીક્ષા ફીમાં પાંચ ટકાનો વધારો

ધોરણ-૧૦ની ફી ૪૦૫, ધોરણ-૧૨ સા.પ્ર.ની ૫૬૫ અને સાયન્‍સની ૬૯૫ નક્કી કરાઈ : ધોરણ-૧૦ની પરીક્ષા ફીમાં રૂ. ૧૫, ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહની ફીમાં રૂ. ૨૫ અને ધોરણ-૧૨ સાયન્‍સની ફીમાં રૂ. ૩૦નો વધારો કરવામાં આવ્‍યો

અમદાવાદ,તા. ૧૨: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૭ ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ-૧૦ અને ૧૨દ્ગક પરીક્ષા માટેની ફી જાહેર કરવામાં આવી છે. જેમાં સતત બીજા વર્ષે બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્‍યો છે. ગત વર્ષે ૧૦ ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્‍યા બાદ આગામી પરીક્ષા માટેની ફીમાં પણ ૫ ટકાનો વધારો કરાયો છે. ધોરણ-૧૦ની પરીક્ષા ફીમાં રૂ. ૧૫, ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહની ફીમાં રૂ. ૨૫ અને ધોરણ-૧૨ સાયન્‍સની ફીમાં રૂ. ૩૦નો વધારો કરવામાં આવ્‍યો છે. આમ, બે વર્ષમાં બોર્ડની પરીક્ષા ફીમાં ૧૫ ટકા જેટલો વધારો થયો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા માટેની ફીનું માળખું જાહેર કર્યું છે. જેમાં સતત બીજા વર્ષે પણ વધારો કરાયો છે. ધોરણ-૧૦ની ફી રૂ. ૩૯૦ રાખવામાં આવી હતી. જોકે, આ વર્ષે તેમાં વધારો કરી રૂ. ૪૦૫ ફી નક્કી કરવામાં આવી છે. આમ, ધોરણ-૧૦ની ફીમાં રૂ. ૧૫નો વધારો કરવામાં આવ્‍યો છે. જે ૪ ટકા જેટલો થવા જાય છે. જયારે ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા ફી રૂ. ૫૪૦ રાખવામાં આવી હતી, જેમાં ચાલુ વર્ષે વધારો કરી રૂ. ૫૬૫ ફી નક્કી કરાઈ છે. આમ, ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહની ફીમાં રૂ. ૨૫નો વધારો કરાયો છે. ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહની ફીમાં સાડા ચાર ટકા કરતા વધુનો વધારો કરવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત ધોરણ-૧૨ સાયન્‍સની ફી રૂ. ૬૬૫ હતી, તેમાં વધારો કરીને રૂ. ૬૯૫ ફી નક્કી કરવામાં આવી છે. આમ, ધોરણ-૧૨ સાયન્‍સની ફીમાં રૂ. ૩૦નો વધારો કરાયો છે. જે લગભગ સાડા ચાર ટકા કરતા વધુનો વધારો કરવામાં આવ્‍યો છે. આમ, ધોરણ-૧૦ અને ૧૨ની ફીમાં સતત બીજા વર્ષે વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ પર વધારાનો બોજો પડશે. ધોરણ-૧૦ની નિયમિત વિદ્યાર્થીઓની નવી ફી રૂ. ૪૦૫ રાખવા સાથે નિયમિત રિપીટરની એક વિષયની ફી રૂ. ૧૫૦ નક્કી કરાઈ છે. જયારે બે વિષય માટે રૂ. ૨૧૫, ત્રણ વિષય માટે રૂ. ૨૭૫ અને ત્રણ કરતા વધુ વિષય માટે રૂ. ૩૯૫ ફી નક્કી કરવામાં આવી છે.

આ જ રીતે ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહમાં નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની ફી રૂ. ૧૬૦, બે વિષયની રૂ. ૨૫૫, ત્રણ વિષયની ફી રૂ. ૩૩૦ અને ત્રણ કરતા વધુ વિષય માટે રૂ. ૫૬૫ ફી નક્કી કરવામાં આવી છે. જયારે ધોરણ-૧૨ સાયન્‍સમાં નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની ફી રૂ. ૨૧૦, બે વિષયની ફી રૂ. ૩૪૫, ત્રણ વિષયની ફી રૂ. ૪૮૫ અને ત્રણ કરતા વધુ વિષયની ફી રૂ. ૬૯૫ નક્કી કરવામાં આવી છે.

ધોરણ-૧૦ની ફીમાં બે વર્ષમાં રૂ. ૫૦નો વધારો થયો છે. ૨૦૨૩ની પરીક્ષા વખતે ધોરણ-૧૦ની ફી રૂ. ૩૫૫ હતી, જે ચાલુ વર્ષે વધીને રૂ. ૪૦૫ થઈ ગઈ છે. આ જ રીતે ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહની ફી ૨૦૨૩ની પરીક્ષા માટે રૂ. ૪૯૦ હતી, જે વધીને ચાલુ વર્ષે ૫૬૫ થઈ છે. આમ, ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહમાં પણ બે વર્ષમાં ફી રૂ. ૭૫દ્ગટ વધારો થયો છે. જયારે ધોરણ-૧૨ સાયન્‍સની ૨૦૨૩ની ફી રૂ. ૬૦૫ હતી અને ચાલુ વર્ષે તે વધીને રૂ. ૬૯૫ થઈ છે. આમ, ધોરણ-૧૨ સાયન્‍સની ફીમાં બે વર્ષમાં રૂ. ૯૦નો વધારો થયો છે.

(9:57 AM IST)