<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ગુજરાતના બજેટની વહેલી તૈયારીઃ નવી યોજનાઓ માટે ચર્ચા

ચાલુ વર્ષના બજેટ કદ ૩ લાખ, ૩ર હજાર ૪૬પ કરોડ છે તે નવા નાણાકીય વર્ષ (ર૦રપ-ર૬)માં વધવાના એંધાણ ગયા વર્ષે લોકસભાની ચુંટણીના કારણે બજેટ ર૦ દિ' વહેલુ રજુ થયેલઃ વિભાગવાર બેઠકોનો ધમધમાટ

રાજકોટ, તો, ૨૩: ગુજરાત સરકાર દ્વારા નવા નાણાકીય વર્ષની જોગવાઇઓ અને વિકાસની યોજનાઓને આવરી લેતું બજેટ બનાવવાની તૈયારી શરૂ થઇ ચુકી છે. સામાન્‍ય રીતે નવેમ્‍બર-ડીસેમ્‍બરમાં બજેટની તૈયારી શરૂ થતી હોય છે પણ આ વખતે ઓકટોબર માસથી જ પ્રાથમીક તૈયારી શરૂ થઇ ગઇ છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને નાણામંત્રી કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ વિભાગવાર બજેટ સંદર્ભે બેઠકનો દોર ચાલી રહયો છે.

દર વર્ષે ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડીયામાં બજેટ સત્ર પ્રારંભ થાય અને તેના બીજા દિવસે બજેટ રજુ થતુ હોય છે. ગયા વખતે લોકસભાની ચુંટણીની આચારસંહિતાને ધ્‍યાને રાખીને બજેટસત્ર વીસેક દિવસ વહેલુ તા. ૧ ફેબ્રુઆરીએ રજુ થયેલ. તેના બીજા દિવસે નાણામંત્રીએ બજેટ રજુ કર્યુ હતું. આ વખતે વહેલી તૈયારી જોતા બજેટ સત્ર વહેલુ ફેબ્રુઆરીના પ્રારંભે ચાલુ થાય તેવી શકયતા નકારાતી નથી.

વર્ષ ર૦ર૪-રપના બજેટનું કદ ૩ લાખ, ૩ર હજાર, ૪૬પ કરોડ રૂપીયા હતું. આવનારા નવા નાણાકીય વર્ષમાં તે આંકડો વધુ ઉંચો જાય તેવી સંભાવના છે. ચાલુ વર્ષના બજેટમાં કૃષિ, આરોગ્‍ય, શિક્ષણ ક્ષેત્રે વિશેષ જોગવાઇ કરવામાં આવેલી છે. હાલના નાણાકીય વર્ષમાં કયા વિભાગમાં કેટલા નાણા વપરાયા અને નવી તથા જુની યોજનાઓના અમલની શું સ્‍થિતિ છે તેની સમીક્ષા થઇ રહી છે. ચાલુ વર્ષની સમીક્ષાના તારણને ધ્‍યાને રાખીને નવા નાણાકીય વર્ષમાં જોગવાઇ થશે.

રાજય સરકારની આવકનાસ્ત્રોત અને સંભવીત ખર્ચના આંકડા મેળવાઇ રહયા છે. જુદા જુદા વિભાગોને તેની જરૂરીયાતની માહીતી નાણા વિભાગને આપવા જણાવાયું છે. તેમજ ચાલુ નાણાકીય વર્ષના અધુરા કામો તાત્‍કાલીક પુરા કરવા માટે જણાવવામાં આવ્‍યું છે. ર૦ર૬ના વર્ષના પ્રારંભે મહાનગરો તેમજ તાલુકા જીલ્લા પંચાયતોની ચુંટણી આવી રહી છે. તેને ધ્‍યાને રાખીને સરકાર નવી આકર્ષક યોજનાઓ ઉમેરે તેવી શકયતા છે.ગુજરાતના બજેટમાં ગયા વર્ષે કોઇ મોટી રાહત અપાયેલ નહી કે મોટો કરબોજ ઝીંકાયેલ નહી. આવતા વર્ષના બજેટમાં શું જોગવાઇ આવે છે તે જોવાનું રહયું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ અગાઉ બે વખત બજેટ રજુ કરેલ હવે સતત ત્રીજી વખત રજુ કરવાની તૈયારી છે.

(11:44 AM IST)