News of Wednesday, 23rd October 2024
વડતાલ ધામ ખાતે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે: તડામાર તૈયારીઓ : જાણો સમગ્ર કાર્યક્રમની રૂપરેખા
તા.7 નવેમ્બરે સવારે 8:00 કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં ભાગ લેશે

અમદાવાદ : વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે, તારીખ 7 નવેમ્બર ગુરૂવારે સવારે 8:00 કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજવામાં આવશે. જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં ભાગ લેશે.
આ પોથીયાત્રા કળશ યાત્રા સવારે 10:30 કલાકે વડતાલ સભામંડપ ખાતે આવશે. જ્યાં 200 બ્રાહ્મણ વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે. સવારે 11:00 કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સવારે 11:45 કલાકે ઠાકોરજી, પોથીજી, આચાર્યશ્રી તથા કથાના બંન્ને વક્તાનું યજમાન પરિવાર દ્વારા પૂજન કરવામાં આવશે.
લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કાર્યક્રમની રુપરેખા આ મુજબ છે
8 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે.
9 નવેમ્બરના રોજ સવારે 5:30 કલાકે સર્વશાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે થશે.
બપોરે 12:00 થી 3:00 દરમિયાન મહિલા મંચ યોજાશે.
સાંજે 5:00 કલાકે જપાત્મક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે.
10 નવેમ્બરના રોજ સુક્તમ અનુષ્ઠાન હોમાત્મક યજ્ઞનો પ્રારંભ સવારે 8:00 કલાકે મંદિર પરિસર ખાતે થશે.
11 નવેમ્બરના રોજ સાંજે 4:00 કલાકે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે 5:30 કલાકે જેતપુર શ્રીહરિ ગાદી પટ્ટા અભિષેક મહોત્સવ પરિસર ખાતે રાખેલ છે.
12 નવેમ્બરના રોજ સવારે 7:00 થી 10:00 દરમિયાન અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને સંત દીક્ષા.
સવારે 9:00 થી 12:00 દરમિયાન મંદિર પરિસરમાં સુકામેવાનો અન્નકૂટ ભરવામાં આવશે.
બપોરે 3:30 થી 7:30 કલાક દરમિયાન મંદિર પરિસરમાં હાટડી ભરવામાં આવશે.
સાંજે 4:00 કલાકે વડતાલ ગોમતીજી બેન્ડવાજા, ડીજે.ના તાલે ગોમતીજી સુધી ભવ્યાતિભવ્ય જળયાત્રા નિકળશે. જે ફક્ત યજમાનો માટે છે.
સાંજે 4:00 કલાકે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ મહોત્સવ પરિસર ખાતે યોજાશે.
13 નવેમ્બરના રોજ સવારે 6:00 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ અભિષેક યોજાશે.
સવારે 10:30 કલાકે વંઢામાં નૂતન સંત નિવાસનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે.
સવારે 10:00 કલાકે વડતાલ મંદિરમાં અન્નકૂટ દર્શન, સાંજે 5:30 કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ પરિસરમાં યોજાશે.
14 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે
15 નવેમ્બરના રોજ બપોરે 12:00 કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. અને સાંજે 6:00 કલાકે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં ઉજવાશે.
દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તારીખ 7 થી 15 નવેમ્બર દરમિયાન પૂ.જ્ઞાનજીવનદાસજી (કુંડળધામ) અને પૂ.નિત્યસ્વરૂપદાસજી (સરધારધામ) તરફથી શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથા અને શ્રીમદ્ સત્સંગીજીવન કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે મહોત્સવના અન્ય આકર્ષણો.
આધુનિક ટેન્ટ સિટી :- દેશ-વિદેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા આવેલ દર્શનાર્થીઓને રહેવા માટે અતિ આધુનિક સુવિધા સાથેના 25000 થી વધુ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એ.સી. સુવિધા પણ રાખવામાં આવેલ છે.
પ્રદર્શન :- દ્વિશતાબ્દી મહોત્સવ સંપાદિત કરેલ 800 વીઘા જમીન પર ઉજવાનાર છે. જેમાં 25 વીઘા જમીન પર વિશાળ સાંસ્કૃતિક પ્રદર્શન તારીખ 24 ઓક્ટોબર થી 15 નવેમ્બર દરમિયાન યોજાનાર છે. જેના સમય બપોરે 12:00 થી રાત્રીના 10:00 કલાક સુધીનો રાખવામાં આવે છે. વિશાળ પ્રદર્શનનું પ્રવેશદ્વાર 100 ફૂટ લાંબુ અને 35 ફૂટ ઉંચુ છે. ઉપરાંત જીવંત કલાકાર દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરીમાં 190 ફૂટ લાંબુ શ્રી ઘનશ્યામ ચરિત્ર અને 114 ફૂટ લાંબુ રામાયણ ચરિત્ર તળપદી ચિત્રશૈલીમાં કંડારાયેલ છે.
ઉપરાંત રંગ બે રંગી ફુવારાઓ ભક્તોના મનમોહી લેશે. પ્રદર્શન સ્થળે 685 સ્વયં સેવકો વ્યવસ્થા જાળવશે. સમગ્ર પ્રદર્શન રાજકોટ ગુરુકુળના દેવકૃષ્ણદાસજી સ્વામીના શિષ્યો વિશ્વસ્વરૂપદાસ સ્વામી, વિવેકસ્વરૂપદાસ સ્વામી તથા બંગાળના 75 કારીગરો અને સ્વયં સેવકો છેલ્લા 3 માસથી પ્રદર્શનની તૈયારી કરી રહ્યા હતા.
યજ્ઞશાળા :- 15 વીઘાથી વધુ વિશાળ જગ્યામાં યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં 108 કુંડી વિષ્ણુયાગ યોજાનાર છે. આ વિષ્ણુયાગમાં 3500 વધુ દંપતિઓ બેસી શકશે.
ભવ્ય ભોજનશાળા :- 62,500 ચો.ફૂટ જમીન પર ભવ્ય ભોજનશાળા બાંધવામાં આવેલ છે. જેમાં વીઆઈપી, વીવીઆઈપી. તથા અન્ય ભક્તોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
શુદ્ધ પાણી માટે બે આરઓ પ્લાન્ટ કાર્યરત :- મહોત્સવમાં પધારનાર દરેક હરિભક્તોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે બે આરઓ પ્લાન્ટ કાર્યરત કરાયા છે. જેથી દરેકને ઠંડુ અને શુદ્ધ પાણી પુરૂ પાડવામાં આવશે.
વિશાળ સભા મંડપ : - હરિભક્તો શાંતિથી કથા શ્રવણ કરી શકે તે માટે 2.10 લાખ ચો.ફૂટનો વિશાળ સભા મંડપ તૈયાર કરવામાં આવેલ છે. જેની પીઠીકા 30,000 ચો. ફૂટની રાખવામાં આવેલ છે. આ સભા મંડપમાં 25000 થી વધુ હરિભક્તો બેસી કથા શ્રવણ કરશે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
