News of Wednesday, 23rd October 2024
કમોસમી વરસાદથી ખેડૂતોની દિવાળી બગડી: ખેડૂતોના ન્યાય અપાવવા કોંગ્રેસ આંદોલન કરશે
ખેડૂતોના ન્યાય માટે આંદોલન કરવા ખેડૂત સંગઠન-કોંગ્રેસ મેદાને: 25મી ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયત બોલાવી છે જેમાં કિસાન નેતા યોગેન્દ્ર યાદવ અને કુસ્તીબાજ બજરંગ પુનિયા ખાસ હાજર રહેશે.

અમદાવાદ :રાજ્યના ખેડૂતોની દયનીય સ્થિતિ હોવા છતાં સરકાર હજી સુધી મૌન જોવા મળી રહી છે. વળતરની જાહેરાત તો કરી દેવામાં આવે છે, પરંતુ તે ચુકવાય છે કે કેમ તે અંગે આગળ કોઈ જોતુ નથી. આ ઉપરાંત ઈકો સેન્સિટીવ ઝોનના મુદ્દે પણ ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના ખેડૂતો નારાજ છે. ખેડૂતો ન્યાય માટે આંદોલનની તૈયારી કરી રહ્યા છે. 28મી ઓક્ટોબરથી કોંગ્રેસ આંદોલન કરશે જ્યારે 6 નવેમ્બરે ખેડૂતોનું મહાસંમેલન યોજવાનું આયોજન છે.
ભાજપે પ્રધાનમંત્રી ફસલ યોજનાનો આરંભ કર્યો હતો. પરંતુ વ્યાપક વિરોધ બાદ ગુજરાતમાં ભાજપ સરકારે આ યોજના બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી હતી. તેમાં પણ વિરોધ નોંધાતા 2 વર્ષ આ યોજના કાગળ પર ચલાવી બંધ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસે માંગ કરી છે કે, ખેડૂતોની ખેતી બરબાદ થઇ છે તેમ છતાં સરકારને કઈ પડી જ નથી ત્યારે 140 ટકાથી વધારે વરસાદ વરસ્યો હોય તે 104 તાલુકામાં લીલો દુષ્કાળ કેમ જાહેર કરો. ખેડૂતો તેમનો હક્ક માગી રહ્યા છે. આ મુદ્દે તાલુકા સ્તરે જઈને પણ આંદોલન કરવામાં આવશે.
અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ઇકો સેન્સેટીવ ઝોન, ઘેડના પ્રશ્નો, જમીન માપણી, ખાતરની ઘટ વગેરે પ્રશ્નોથી ખેડૂતો પીડાઈ રહ્યા છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થઈ પણ હજુ સર્વે કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પણ શરૂ કર્યો નથી. આમ, ગુજરાતમાં ખેડૂતોના ન્યાય માટે આંદોલન કરવા ખેડૂત સંગઠન-કોંગ્રેસ મેદાને ઉતર્યા છે.
સૌરાષ્ટ્રના ખેડૂત સંગઠનોએ પણ ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે તારીખ 25૫મી ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયત બોલાવી છે જેમાં કિસાન નેતા યોગેન્દ્ર યાદવ અને કુસ્તીબાજ બજરંગ પુનિયા ખાસ હાજર રહેશે. ખેડૂતોની માંગ છે કે, ચાલુ વર્ષે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે તેવા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ખેડૂતોનું ચાલુ વર્ષની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ. ઘેડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે સરકારી ઘેડ વિકાસ નિગમ બનાવવું જોઈએ. આ ઉપરાંત ઇકો સેન્સીટીવ ઝોનથી 196 ગામડા પ્રભાવિત છે, માટે સરકારે આ યોજનાને રદ કરવી જોઈએ.
ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કાપણીના સમયે જ વરસાદ વરસતાં 1.18 લાખ હેક્ટરમાં ડાંગરને નુકસાન થયું છે. આ ઉપરાંત બાજરી, જુવાર, તલ પણ વરસાદી પાણીમાં તબાહ થયા છે. દક્ષિણ ગુજરાતમાં કુલ 45,828 એકર જમીનમાં શેરડીનું વાવેતર થયું હતું. શેરડીનું ઉત્પાદન ઓછું થયું છે પરિણામે સુગર મિલો પર પહોંચી છે. ખેડૂતોની માંગણી છે કે, શાકભાજી અને બાગાયતી પાકને થયેલ નુકસાનનો તત્કાલ સરવે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે. ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાક મળી કુલ રૂપિયા 150 કરોડ રૂપિયા જેવું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
