<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

ગાંધી ગ્રામજીવન પદયાત્રા જીતગઢથી નીકળી સુંદરપુરા ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા સમજ આપી

ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓ મળી 1843 પદયાત્રીઓની 151 ટુકડી 21 થી 26 ઓકટોબર દરમિયાન ગુજરાતના 18000 જેટલા ગામડાઓમાં ફરશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાં ખેતી, ગામડું ગાય, ગામપોષક વ્યવસાય અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનો સમાવેશ થાય છે. આ ધ્યેયોની પરિપૂર્તિ માટે વિદ્યાપીઠના પૂર્વ કુલાધિપતિ નારાયણભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2007થી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો દર વર્ષે પદયાત્રા યોજતા હોય છે.

ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ પ્રાકૃતિક ખેતીના હિમાયતી આદરણીય આચાર્ય દેવવતજીના માર્ગદર્શન હેડળ વિદ્યાપીઠના ધ્યેય અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગામડાનાં સર્વાંગીણ વિકાસ તરફનું લક્ષ રાખી, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ-સેવકો ગામડાનાં પ્રશ્નો જાણે, શીખે, સમજે અને તે દ્વારા તેમનું નવઘડતર થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ વર્ષે વિદ્યાપીઠે ત્રણ દિવસ સમાજ સંપર્ક અને ત્રણ દિવસ પદયાત્રા એમ છ દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું છે.
ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓ મળી 1843 પદયાત્રીઓની 151 ટુકડી 21 થી 26 ઓકટોબર દરમિયાન ગુજરાતના 18000 જેટલા ગામડાઓમાં ગામસંપર્ક અને પદયાત્રા કરશે. તેઓ ખેડૂતો અને ગ્રામજનોને આરોગ્ય, સમૃદ્ધિ અને સંપદાના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી માટેનું મહાઅભિયાન ચલાવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠ પ્રાકૃતિક ખેતી અંગેના મહાઅભિયાન થકી ગ્રામીણ પરિવારો સાથે સંવાદ ના ભાગરૂપે આજરોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતગઢ ગામમાં આવેલ પદયાત્રા જીતગઢ થી નજીકના સુંદરપુરા ગામે પહોંચી હતી અને ત્યાંના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા સમજ આપઅવમાં આવી હતી

(12:50 AM IST)