News of Sunday, 27th October 2024
ધ્રાંગધ્રામાં હડકાયા કૂતરાએ ૨૦થી વધુ લોકોને બચકાં ભરતાં હાહાકાર
હડકાયું કૂતરું કરડતા ૨૦ લોકોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં

સુરેન્દ્રનગર, તા.૨૭,
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આજે હડકાયા કુતરાએ બધાને સાગમટે કરડી ખાતા હાહાકાર મચ્યો હતો. શહેરમાં આશરે ૨૦થી વધુ લોકોને કૂતરું કરડી જતાં દેકારો મચ્યો હતો. જોકે ધ્રાંગધ્રા કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઈન્જેક્શન કે રસી ના હોવાથી તમામ ૨૦ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રા શહેરમાં એક હડકવા ઉપડેલા કૂતરાએ અંદાજિત ૨૦ જેટલાં લોકોને કરડીને રીતસરનો આતંક મચાવ્યો હતો. શહેરમાં ઝાલારોડ, નવયુગ રોડ અને ક્લબ રોડ વિસ્તારમાં દિવાળીના તહેવારોને લીધે ખરીદી માટે લોકોની ભીડ જોવા મળતી હોય છે. તેવામાં હડકાયું કૂતરું કરડતા ૨૦ લોકોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.હડકવા ગંભીર રોગની શ્રેણીમા લોકોના જીવ લઈ શકે છે, પણ હડકવા પ્રતિરોધક રસી ધ્રાંગધ્રાથી લઇ સુરેન્દ્રનગર સુધી નહીં હોવાથી ઈજાગ્રસ્તોને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જો કે અહીં હડકવા વિરોધી રસી નહોતી. ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ હડકવા વિરોધી રસી ના હોવાથી ઈજાગ્રસ્તોને સારવાર માટે છેક અમદાવાદ લઈ જવાની નોબત આવી હતી.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
