<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

વડતાલમાં વિક્રમ સ્‍થપાશે : શનિવારે નૂતન વર્ષે ૫૧૦૦ વાનગીઓનો મહાઅન્નકુટ

નૂતનવર્ષે દ્વિશતાબ્‍દી મહોત્‍સવના ઉપક્રમે અમુલો અવસર : લક્ષ્મીનારાયણના શરણે દેશ વિદેશના કયુઝાઇનનો અન્નકુટ ધરાવી વર્લ્‍ડ બુકમાં નામ નોંધાવાશે : હૈદરાબાદના સંતોના માર્ગદર્શન હેઠળ જુદા જુદા રાજયો અને દેશોની વાનગીઓ બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલુ

રાજકોટ તા. ૩૦ : શ્રી સ્‍વામિનારાયણ  સંપ્રદાયની મુખ્‍યગાદી વડતાલ મુખ્‍ય કોઠારી ડો. સંતવલ્લભદાસજીની યાદીમાં જણાવ્‍યા મુજબ તા. ૭ નવેમ્‍બરથી ૧૫ નવેમ્‍બર સુધી શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વીશતાબ્‍દી મહોત્‍સવની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે.

આ અનુસંધાને નુતનવર્ષે તા. ૨ ના શનિવારે વિશ્વ વિક્રમ સ્‍થપાવા જઇ રહ્યો છે. સારા ભારતમાં નહીં પણ વિશ્વ કક્ષાએ સૌથી મોટી કહી શકાય તેવો ૫૧૦૦ વાનગીઓનો મહાઅન્નકુટ શ્રી લક્ષ્મીનારાયણદેવ અને શ્રી હરીકૃષ્‍ણ મહારાજને ધરાવાશે.

સંતોના માર્ગદર્શન હેઠળ ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્‍ડીયન, રાજસ્‍થાની, હૈદ્રાબાદી, ચાઇનીઝ, ઇટાલીયન, મેકસીકન, બનારસી એમ દેશ વિદેશની ૫૧૦૦ થી વધુ વાનગીઓ તૈયાર કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

૫૧૦૦ વાનગીઓના લીસ્‍ટ માટે ૪૮ કલાક ટાઇપીંગ અને ૨૪ કલાક બાયફરકેશન બાદ ૭૧૫૮૦ માનવ કલાકની સેવા લેવાશે.

હૈદ્રાબાદના વિવેકસાગર સ્‍વામીને જણાવ્‍યા મુજબ વડતાલ અક્ષરભુવન પાછળના મેદાનમાં ૧૧૩ × ૧૭૦ સ્‍કવેરફુટનો વિશાળ સમીયાણો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ કંપનીઓના મેનેજરો અને પ સ્‍ટાર કેટેગરીના રેસ્‍ટરન્‍ટો પણ સ્‍તબ્‍ધ થઇ જાય તે રીતે ટીમવર્કની આયોજન ચાલી રહ્યુ છે. જેમાં હૈદ્રાબાદના ૩૫ કારીગરો, ૧૫ પૂ.સંતો અન્‍ય ૭ વ્‍યક્‍તિની વિશેષ ટીમ બનાવી સુરત વેડરોડ મંદિરથી ૮૦ મહિલાઓની મદદ લઇ આ વાનગીઓ તૈયાર કરાશે. ૫૦૦૦ મહિલા તથા પુરૂષ સ્‍વયંસેવકો ખડેપગે સેવા બજાવી રહ્યા છે.

સુરતના મહિલા સ્‍વયંસેવીકા શારદાબેન ડુંગરાણીએ જણાવ્‍યા મુજબ મહિલા ભકતોએ ૫૧૫૪૦ કિલો વજનની વાનગી તૈયાર કરાઇ છે. જેમાં ૧૬૦ પ્રકારની વિવ્‍ધિ પુરીઓ, ૧૬૦ પ્રકારના વિવિધ અથાણા, ૫૦૦ કિલો બેકરી આઇટમેમો અને ૧૫૦ પ્રકારના વિવિધ હલવા તૈયાર કરાયા છે.

તા. ૨ નવેમ્‍બરના સવારે ૮ થી સાંજે ૭ કલાક સુધી આ અન્નકોટના દર્શનનો લાભ લઇ શકાશે. બાદમાં તેને પ્રસાદરૂપે  ચરોતરના વૃધ્‍ધાશ્રમો, દિવ્‍યાંગ શાળાઓ અને અનાથાશ્રમો અને દરીદ્રનારાયણોને વિતરણ કરી દેવાશે. તેમ વડતાલ ટેમ્‍બલ બોર્ડના મુખ્‍ય કોઠારી સાધુ ડો. સંતવલ્લભદાસજીએ યાદીના અંતમાં જણાવ્‍યુ છે.

(4:31 PM IST)