News of Sunday, 3rd November 2024
વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ચૂંટણી:ભાજપ હરીફાઈમાં નથી :ગુલાબસિંહ રાજપૂત
માડકા ગામે યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે કહ્યું ભાજપ તો હરિફાઈ કે ચૂંટણી ચિત્રમાં જ નથી. જો કોઈ ભાજપ વિશે વિચારતું હોય, તો છોડી દે

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર યોજાવા જઈ રહેલી પેટાચૂંટણી માટે આગામી 13 નવેમ્બરે મતદાન થવાનું છે, ત્યારે હાલ તમામ ઉમેદવારો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતો માડકા ખાતે આયોજિત ચૂંટણી સભામાં ભાજપ હરિફાઈમાં જ ન હોવાનો દાવો કર્યો છે.
વાવ વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોરને મેન્ડેટ આપવામાં આવ્યું છે. જો કે ચૌધરી સમાજના આગેવાન માવજી પટેલને ભાજપે ટિકિટ ના આપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેથી તેમને મનાવવા માટે ભાજપના અનેક નેતાઓએ પ્રયાસ કરી જોયા હતા. જો કે માવજી પટેલે ફોર્મ પરત ખેંચ્યું નહતુ.
હવે માવજી પટેલ બેટના નિશાન સાથે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે વાવ વિધાનસભા બેઠક પર સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ જામ્યો છે.
એવામાં આજે માડકા ગામે યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, હાલ વાવ પેટાચૂંટણીમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ છે. ભાજપ તો હરિફાઈ કે ચૂંટણી ચિત્રમાં જ નથી. જો કોઈ ભાજપ વિશે વિચારતું હોય, તો છોડી દે. હું તેમને વિનંતી કરું છું કે, ચૂંટણીની હરિફાઈ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ રહેવાની છે. તેમણે મતદારોને સાવધ કરતાં જણાવ્યું કે, તમારો કિંમતી મત વેડફાઈ ના જાય તેની ખાસ કાળજી રાખજો. મતદારો તેમનો સીધો સંપર્ક કરી શકે છે. આ માટે કોઈ મધ્યસ્થીની જરૂર નથી.
વાવ વિધાનસભા બેઠક પર છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનો કબજો છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી ચૂંટાઈને લોકસભા પહોંચતા તેમણે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતુ. જેના કારણે ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠક પર 3.10 લાખ જેટલા મતદારો છે, જે પૈકી સૌથી વધુ 82,852થી વધુ મત ઠાકોર સમાજના છે. જે બાદ 49,860 મતદારો ચૌધરી સમાજના છે. એવામાં આ વખતે ચૌધરી અગ્રણી માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવીને ભાજપ-કોંગ્રેસનું ગણિત બગાડી નાંખ્યું છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
