<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મહેસાણા જિલ્લાના ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારુદ્રી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રીએ મંદિરના ગર્ભ ગૃહમાં પૂજન અર્ચન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી : મંદિર પરિસરમાં આવેલા ધન્વંતરિ ઔષધિવન, બીલીવન અને નક્ષત્ર વનની મુલાકાત લીધી

ગાંધીનગર : મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારુદ્રી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રધ્ધાપૂર્વક જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં લગભગ 250 કિલો વજનના અલૌકિક ઘંટનું અનાવરણ કર્યુ હતું અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ મંદિરના ગર્ભ ગૃહમાં પૂજન અર્ચન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી હતી, તેમણે મંદિર પરિસરમાં ધન્વંતરી ઔષધિવન, બીલીવન અને નક્ષત્ર વનની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ દિવાળી અને નવા વર્ષે આપણે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છીએ. 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થયા હોય તે પછીની આ પ્રથમ દિવાળીના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. અહીંયા ગુંછળી ખાતે પણ રામેશ્વર મહાદેવ મંદિર 300 વર્ષ જૂનું છે જેનું પુનઃ નિર્માણ કરી આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આપણી વિરાસત અને સંસ્કૃતિને જાળવીને વિકાસ કરવાના માનનીય વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધી રહ્યા છીએ.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા ગુજરાત અગ્રેસર રહે તે માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો પડશે. વધુમાં તેમણે ઉમેર્યું કે અહીંયા નક્ષત્ર વન ઔષધિવન અને બીલીવનનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનો લાભ અહી આવનાર દરેકને મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રામેશ્વર મહાદેવની દ્રષ્ટિ સન્મુખ પરિસરમાં પૂર્વ દિશામાં નક્ષત્ર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નક્ષત્રવન એસ્ટ્રોથીમ એટલે કે જ્યોતિષશાસ્ત્ર આધારિત બગીચો છે. જેમાં રાશિ ચક્ર સાથે જોડાયેલા છોડ અને વૃક્ષો આવેલા હોય છે. આ નક્ષત્ર વનમાં નક્ષત્રોની સંખ્યા મુજબ કુલ 27 નક્ષત્ર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત બીલીવૃક્ષોથી આચ્છાદિત બીલીવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ મંદિર પરિસરમાં ધન્વંતરી ઔષધીવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઔષધી વનમાં દુર્લભ તેમજ પ્રચલિત 108 જેટલી ઔષધીઓનો ઉછેર કરવામાં આવ્યો છે. જે દરેક છોડનું ટેગિંગ કરવામાં આવશે. જેમાં દર્શાવેલ ક્યુઆરકોડ સ્કેન કરવાથી તે ઔષધીય વનસ્પતિનો પરિચય અને સ્વાસ્થ્ય માટે તેનો ઉપયોગ સહેલાઈથી જાણી શકાશે.

આ કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય મંત્રીઋષિકેશભાઇ પટેલ, રાજ્યસભા સાંસદમયંકભાઇ નાયક, લોકસભા સાંસદહરિભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્યસી.જે. ચાવડા, માણસા ધારાસભ્યજે.એસ. પટેલ, અગ્રણી સર્વશ્રી ગીરીશભાઈ રાજગોર, પી.આઈ. પટેલ, રમણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, ડી.ડી. પટેલ, મુકેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટરડૉ. હસરત જૈસમીન તેમજ ટ્રસ્ટીશ્રીઓ દાતાશ્રીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:42 PM IST)