<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ભત્રીજાએ ફુઆને ઉતાર્યા મોતને ઘાટ

સાબરકાંઠામાં હત્યાનો ભયંકર કિસ્સોઃ તેણે હત્યા કેમ કરી તે મામલે પણ પોલીસે તપાસ આરંભી

સાબરકાંઠા, તા.૬

જિલ્લાના વડાલીના પીક અપ સ્ટેન્ડ પર મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે. જેમાં એક જ ગામના એક સાથે કામ કરતા વ્યક્તિએ જ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે આરોપીને ઝડપી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. તેમજ આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિનો સહયોગ લેવાયો છે કે નહીં તેની તપાસ શરૃ છે.

વડાલીના પીક અપ સ્ટેન્ડની અંદરથી દિવાળીના દિવસે હત્યા કરાયેલ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે વડાલી સહિત ઇડર તેમજ હિંમતનગરની એસ.ઓ.જી, એલસીબી સહિત ડોગ સ્ક્વોડની ટીમોએ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. જોકે આ દરમિયાન યુવકની નામઠામની શોધખોળ હાથ ધરતા યુવક ખેડબ્રહ્માનો હોવાનું ખુલ્યું હતું.

મૃતક યુવક ખેડબ્રહ્માના ખેડવા ગામનો હોવાનું સામે આવ્યું. જેમાં તેનું નામ જીતેન્દ્ર તરાર હતું.

આ મામલે યુવકનો મૃતદેહ મળ્યો હોવાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં કાંતિ ગમાર નામના ખેડવા ગામના યુવકની પૂછપરછ કરતા આખરે તેણે સમગ્ર ગુનો સ્વીકાર્યો હતો.

આમ તો રાત્રિના સમયે જીતેન્દ્ર તરાર વડાલીના પીકઅપ સ્ટેન્ડમાં ગાઢ નિદ્રામાં હતો. જેમાં તેની હત્યા કોઈ અન્ય વ્યક્તિએ નહીં પરંતુ તેના જ ભત્રિજાએ કરી હતી.

જેમાં તેણે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા મારી હત્યા કરી હોવાનું સ્વીકારતા આરોપીને દબોચી લઈ જેલ હવાલે કર્યો છે. સાળાના પુત્રએ ધારિયાના ઘા ઝીંકીને ફુવાની હત્યા કરી નાખી હોવાનું ખુલતા પોલીસે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કર્યો છે. તો આ ઉપરાંત હજુ કોઈ વ્યક્તિ આ હત્યામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. સાથે જ તેણે હત્યા કેમ કરી તે મામલે પણ પોલીસે તપાસ આરંભી છે.

(10:06 PM IST)