News of Friday, 8th November 2024
સોમવારથી રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની થશે ખરીદી:3.33 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી: રાઘવજીભાઈ પટેલ
સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ એકસાથે રાજ્યભરના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે

અમદાવાદ : ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.
કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 11 નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3.33 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. 1356.60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.
કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4 હજાર કિ.ગ્રા એટલે કે, 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી 10 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
