<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

મંગળવારથી માતરના નીલકંઠ મહાદેવ મંદિરે મેળો યોજાશે: પાલ્લાથી વૈઠા જતા માર્ગ પર ભારે વાહાનો માટે પ્રતિબંધ

12 નવેમ્બરથી 17 નવેમ્બર દરમ્યાન માતર તાલુકાના વારૂકાસ ચોકડીથી પાલ્લા ગામ થઈ વૌઠા ગામ તરફ જતા ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત

ખેડા : માતર તાલુકાના પાલ્લા ગામમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે દેવ દિવાળીના તહેવાર નિમિત્તે 12થી 17 નવેમ્બર દરમિયાન લોકમેળો યોજાનારો છે. જેના પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય તકેદારીના ભાગરૂપે પાલ્લાથી વૌઠા તરફ જતા માર્ગો પર ભારે વાહનો માટે 12થી 17 નવેમ્બર સુધી પ્રતિબંધ મુકાવમાં આવ્યો છે.

માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પાલ્લા ગામે સપ્ત નદીના સંગમ સ્થળ ઉપર આવેલા નીલકંઠ મહાદેવના મંદિરે દેવ દિવાળી નિમિત્તે 12 નવેમ્બરથી 17 નવેમ્બર 2024 સુધી લોકમેળો યોજાનારો છે. આ મેળા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો મેળામાં આવતા હોય છે. પાલ્લા અને વૌઠા ગામ વચ્ચે સાબરમતી નદી પરના પુલ ઉપર થઈ લોકો મોટી સંખ્યામાં અવર-જવર કરનાર હોય, પાલ્લાથી વૌઠા તરફના જાહેર માર્ગ ઉપર ભારે વાહનો ચાલુ રહે તો જાન-હાનિ તેમજ અકસ્માતના બનાવો બને તે નકારી શકાય નહી.

જેથી 12 નવેમ્બરથી 17 નવેમ્બર 2024 સુધીના સમય દરમ્યાન માતર તાલુકાના વારૂકાસ ચોકડીથી પાલ્લા ગામ થઈ વૌઠા ગામ તરફ જતા ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવા પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.

પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદની દરખાસ્ત મુજબ માતર તાલુકાના વારુકાસ ચોકડીથી પાલ્લા ગામ થઈ વૌઠા ગામ તરફ જતા ભારે વાહન વ્યવહાર પર ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા અને વૈકલ્પિક જાહેરમાર્ગો ઉપર ભારે વાહન-વ્યવહારની અવર-જવર ચાલુ રહે તે મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે માતર તાલુકાના વારૂકાસ ચોકડી થી પાલ્લા ગામ થઈ વૌઠા ગામ તરફ જતો ભારે વાહન વ્યવહાર માટે વારૂકાસ ચોકડીથી માતર, ખેડા હાઈવે થઈ આગળ જઈ શકેશે.

(1:41 PM IST)