News of Friday, 8th November 2024
ખાનગી નર્સિંગ કોલેજો દ્વારા આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતી મુદ્દે... ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો
રાજપીપલામાં માં કામલ ફાઉન્ડેશન, છોટાઉદેપુરની ક્રિશ્ના ઇન્સ્ટીટયુટ, અંકલેશ્વર-નર્મદા ઇન્સ્ટીટયુટના સંચાલકો પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે:પ્રેક્ટિકલ માટેના સાધનો કે લેબ કે કોઈ કોચિંગ માટેના ક્લાસ ચાલતા ન હોવા છતા, ભણાવતા ન હોવા છતા, વર્ષ થાય એટલે પરીક્ષા લેવામાં આવે છે: ચૈતર વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિત આરોગ્ય કમિશનરને પણ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો છે.
આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, અંબાજી થી ઉમરગામ વિસ્તારમાં A.N.M, G.N.M. નર્સિંગ કોર્ષ ચલાવવા માટે સરકાર ની પરવાનગી થી ઘણી સંસ્થાઓ નર્સિંગ કોલેજો ચલાવી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓની અનેક રજુઆતો અમારા સમક્ષ આવી છે. આ સંસ્થાઓ ૧૨ પાસ વિદ્યાર્થીઓને ગામડેથી સારી સારી લોભામણી જાહેરાતો કરીને, ઓરીજનલ ડોક્યુમેન્ટ ઉઘરાવતી હોય છે. એડમીશન આપવાના નામે ત્રણ વર્ષમાં બે થી અઢી લાખ ની ફી પણ ઉઘરાવે છે.
સાથે તેમની પોતાની પ્રેક્ટિકલ માટેના સાધનો કે લેબ કે કોઈ કોચિંગ માટેના ક્લાસ ચાલતા ન હોવા છતા, ભણાવતા ન હોવા છતા, વર્ષ થાય એટલે પરીક્ષા આપવા માટે રાજ્ય બહારના કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર ખાતેની યુનિવર્સીટીઓમાં પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને અહી થી લઇ જવામાં આવે છે. જેની પણ ફી વસુલવામાં આવે છે. ત્યાં અનેક વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ પોતાની બોડીંગ પાસ ન હોવાના કારણે, કે બીજી બાબતો રજીસ્ટ્રેશન ન થયું હોવાના કારણે કે એડમિશન ન થયું હોવાના કારણે, પરીક્ષાઓમાં બેસવા દેવામાં આવતા નથી અને એવી જ રીતે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. રાજ્ય બહારની કોલેજો સાથે સંલગ્ન હોવાને કારણે આદિજાતી વિકાસ વિભાગ ગાંધીનગર તરફથી મળતી સ્કોલરશીપ પણ વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી મળી નથી. સરકારી S.I.જેવી ભરતી થઇ હતી એમાં પણ, રાજ્ય બહારની યુનિવર્સીટીઓની સર્ટીફિકેટ હોવાના કારણે, તેમને પણ છુટા કરવામાં આવ્યા છે.
ત્રણ વર્ષ પુરા થવા છતા, પૂરી ફી ભરી હોવા છતા, આ વિદ્યાર્થીઓને આજદિન સુધી GNM કે ANM પૂર્ણ થયાના સર્ટી પણ મળ્યા નથી. ત્યારે છેલ્લા ત્રણ-ત્રણ, ચાર-ચાર વર્ષથી સંસ્થાઓમાં આંટા મારીને થાકેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ અમારી સમક્ષ આવ્યા છે અને તેમણે ફી કઈ પરિસ્થિતિમાં ભરી છે તે વેદના અમને જણાવી છે ત્યારે, રાજપીપલા માં કામલ ફાઉન્ડેશન હોય, છોટાઉદેપુર ક્રિશ્ના ઇન્સ્ટીટયુટ હોય, અંકલેશ્વર-નર્મદા ઇન્સ્ટીટયુટ હોય, એમના સંચાલકો સાથે અમે અવાર નવાર વાત કરતા હોય છે પણ તેઓ પોતાની જવાબદારી થી છટકવા માટે અવનવા બહાનાં કાઢતા હોય છે.
આ વિદ્યાર્થીઓનો પોતાનો અમુલ્ય ત્રણ-ત્રણ, ચાર-ચાર વર્ષ નો સમય બગડી રહ્યો છે. અને તેમના કેરિયર પર અસર પડે છે ત્યારે આવી સંસ્થાઓની તપાસ થાય, શરતોને આધીન ચાલે છે કે કેમ ? તેમની પાસે પુરતો સ્ટાફ છે કે કેમ ? પૂરતા પ્રેકટીકલના સાધનો છે કે કેમ? લેબ કે પૂરતા કોચિંગના સાધનો છે કે કેમ ? તેની સરકારી શરતોને આધારે તપાસ કરી, ગેરરીતિઓ જણાય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જો આવનાર 7 દિવસમાં આમ કરવામાં ન આવે તો આદિવાસી વિસ્તારોમાં ચાલતી આવી સંસ્થાઓ પર આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને તમામ જિલ્લાઓના પોલીસ વડા સમક્ષ જઈને અમારે આવી સંસ્થાઓ પર કાયદેસરની કાર્યવાહી કરાવવા ફરજ પડશે જેની નોંધ લેવા અપીલ છે.


(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
