News of Friday, 8th November 2024
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સાવલી અગર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના કામોનું નિરીક્ષણ કરી બેઠક યોજી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નર્મદા જિલ્લાના એક દિવસિય પ્રવાસે પધાર્યા હતા. તા. ૭ મી નવેમ્બરે મંત્રી સવારે ૧૦ વાગ્યે તિલકવાડા તાલુકાના વજેરીયા ખાતે આવી પહોંચ્યા હતા. સ્થાનિક પદાધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાવલી અગર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત કરી હતી અને સ્થળ પર પ્રગતિ હેઠળના કામોનું નિરિક્ષણ કર્યુ હતુ. જેમાં સમ્પ, વોટર વર્કર, પાણીની ટાંકી, અને સ્થળ પર બાંધકામ થઈ રહેલા પ્રગતિ હેઠળના કામોનું બારીકાઈથી નિરિક્ષણ કરીને વિગતો મેળવી હતી. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ૪૦ ગામો અને ૦૫ પરાનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ યોજનાથી ૪૦ ગામ અને ૦૫ પરાનો સમાવેશ સાવલી-અગર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનામાં કરવામાં આવેલ છે. આ સુધારણા યોજનાને બે ઝોનમાં વહેંચવામાં આવી છે. એક ઝોનમાં ૧૯ ગામો અને ૨ પરાને હયાત યોજના દ્વારા કાંદલેજ મેઈન હેડ વર્કસ હયાત ૨.૨0 એમ.એલ.ડી ફિલ્ટર પ્લાન્ટ દ્વારા પાણી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે. અને બાકી રહેલા ગામો અને પરાને વજેરીયા ગામ પાસે નવું હેડ વર્કર્સ બનાવી ત્યાં ૩.00 એમ.એલ.ડીનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવી ત્યાંથી પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ યોજના અંદાજિત રકમ રૂપિયા ૨૪,૩૨,૭૪,૮૦૫.૫૯ થી ડી.ટી.પી. ને મંજૂરી મળેલ છે. આ યોજનાનું ૯૫ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેથી લોકોને પીવાના પાણીમાંથી રાહત મળશે. મંત્રીશ્રીએ વજેરીયા ખાતે ગ્રામજનો અને સરપંચશ્રી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પ્રશ્નોને પણ સાંભળીને હકારાત્મક પ્રત્યુત્તર પાઠવ્યા હતા અને પાણી અંગે કરેલા આયોજનની વિગતવાર માહિતી આપી હતી.
મંત્રીએ કરજણ ડેમની મુલાકાત લઈને સુધારા-વધારા થયેલા કામોનું નીરીક્ષણ કર્યુ હતુ અને જીતગઢ પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લઈને પાણી વિતરણ વ્યવસ્થાનું નીરીક્ષણ કર્યુ હતુ.
ત્યારબાદ સરકિટ હાઉસ ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રગતિ હેઠળના કામો અને જળ સ્ત્રોત, સિંચાઈની સુવિધા, પીવાના પાણીની સમીક્ષા કરી હતી. અને નલ સે જલ યોજના તેમજ સાવલી ઝરવાણી વજેરીયા યોજના આધારિત કેટલા ગામોને આવરી લેવાયા છે તેમજ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. સાથેસાથે દેડિયાપાડા-સાગબારા તાલુકામાં પીવાના પાણી અંગેની વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી.
આમ, સમગ્ર નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં પીવાના અને સિંચાઈના પાણીની અધિકારીઓ પાસેથી માહિતી મેળવી બેઠકમાં સમીક્ષા-રચનાત્મક સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. નોંધનીય છે કે, બેઠક બાદ મંત્રીએ નર્મદાનો સોર્સ સુધારણા (ભાગ-૧) જુથ યોજના “જળ શુધ્ધિકરણ પ્લાન્ટ“ ભુમલિયાની પણ મુલાકાત લીધી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગ તડવી, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, પાણી પુરવઠા સિવિલ વિભાગના કાર્યપાલક ઇજનેર પ્રકાશ ગોહિલ, વાસ્મોના કાર્યપાલક ઇજનેરvવિનોદ પટેલ ,કરજણ જળાશય યોજનાના કાર્યપાલક ઇજનેર ઓમપ્રકાશ અને પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અને અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
