<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

રાજપીપળા પોસ્ટ ઓફિસ મા રૂ. 21 લાખની ચોરીને એક વર્ષ જેવો સમય થવા છતાં ભેદ ઉકેલાયો નથી

નિયમ મુજબ પોસ્ટ ઓફિસમાં ત્રણ લાખ કરતા વધુની રકમ રાખી શકાય નહિ છતાં પણ રૂપિયા 21 લાખ શા માટે રાખવામાં આવ્યા??:પોસ્ટ ઓફિસમાં સીસીટીવી કેમેરા પણ ન હોય કોણે ચોરી કરી એ જાણવું મુશ્કેલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: સૂમસામ અને વેરાન જગ્યામાં આવેલી રાજપીપળા ની મુખ્ય પોસ્ટ ઓફિસ માં એક વર્ષ પહેલાં પાછળની ગ્રીલ કાપીને ચોરો પોસ્ટ ઓફિસમાં પ્રવેશ્યા હતા અને બાદમાં જ્યાં પૈસા મૂકવામાં આવ્યા હતા એ સ્ટ્રોંગ રૂમને પણ વેલ્ડીંગ કટરથી કાપીને અંદર મુકવામાં આવેલી રૂપિયા 21 લાખ કરતાં વધુ ની રોકડ રકમની ચોરી કરી પલાયન થયા હતા પણ આ ચોરીની ઘટનામાં કેટલીક ચોકાવનારી વિગતો પણ સામે આવી હતી, નિયમ મુજબ પોસ્ટ ઓફિસમાં ત્રણ લાખ કરતા વધુની રકમ રાખી શકાય તેમ ન હતી છતાં પણ રૂપિયા 21 લાખ શા માટે ભેગા કરવામાં આવ્યા?  જે દિવસે ચોરીની ઘટના બની એ દિવસથી થોડા દિવસ પહેલા જ પોસ્ટ માસ્ટર કેટલાક દિવસોની રજા ઉપર ઉતરી ગયા હતા એમના સ્થાને અન્ય અધિકારી પાસે ચાર્જ હતો. એ બાબત પણ શંકા ઉપજાવતી હતી.
જોકે વર્ષ 2011માં પણ આ જ રીતે આ પોસ્ટ ઓફિસ માં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ચોરી નિષ્ફળ ગઈ હતી, તેમ છતાં પણ આ પોસ્ટ ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા ન હતા, સામાન્ય રીતે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને જાહેર સ્થળોએ હોટલ દુકાનો અને જ્યાં ખાસ કરીને આર્થિક વ્યવહારો થતા હોય એવી નાણાકીય એક્ટિવિટી ધરાવતી સંસ્થાઓમાં તો સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવેલા છે તેમ છતાં આટલી ઘોર બેદરકારી શા માટે રાખવામાં આવી જેવા ઘણા પ્રશ્નો અહીંયા ઉઠ્યા છે.

 જ્યારે ચોરી ની ઘટના બની ત્યારે સીસીટીવી કેમ લગાડવામાં કેમ આવ્યા નથી એ માટે પોસ્ટ ના અધિકારી ની પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું કે તેમણે મહિનાઓ અગાઉ આ બાબતની લેખિત અરજી કરી હોવા છતાં પણ ઉપરથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આમ પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે લોકોના 21 લાખ રૂપિયા ચોરી થવાની ઘટના બની છે અને કે વાત ને એક વર્ષ જેવો સમય વીતી જવા છતાં પણ હજુ આ ચોરીનો ભેદ ઉકેલાયો નથી

(10:43 PM IST)