<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

ગુજરાતના મુખ્યમંત્રીને જ બિઝનેસ ક્લાસમાં હવાઈ મુસાફરીની છૂટ: કેબિનેટ મંત્રીઓ, ચીફ સેક્રેટરી, ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઇકોનોમી ક્લાસમાં હવાઈ યાત્રા કરવાની

ગાંધીનગરઃ  ગુજરાતના નાણાં વિભાગે હવાઈ યાત્રાના નિયમો બનાવ્યા છે, જેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, ૫૦૦ કિલોમીટરથી વધારે દૂર જવાનું હોય તો જ હવાઈ મુસાફરી માટે માઇલેજ ભથ્થું ચૂકવવામાં આવશે.

બીજા મહત્ત્વના આદેશમાં જણાવાયું છે કે, રાજ્યમાં માત્ર મુખ્યમંત્રી જ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે. બાકી તેમની કેબિનેટના સર્વે સભ્યો, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને ઇકોનોમી ક્લાસમાં હવાઈ યાત્રા કરવાની રહેશે.

રાજ્યના કર્મચારી મંડળોની પડતર માંગણીના સંદર્ભમાં નાણાં વિભાગે જે ઠરાવો બહાર પાડ્યા છે તેમાં હવાઈ યાત્રાના સંદર્ભમાં માઇલેજ ભથ્થાંનો પણ સમાવેશ કર્યો છે. જૂના આદેશમાં કેટલાંક ફેરફારો કરવામાં આવ્યા છે.

૮મી નવેમ્બરથી જેનું પાલન કરવાનું થાય છે તે નિયમોમાં પે સ્કેલ લેવલ ૧૨ કે તેથી ઉપર હોય તેવા અધિકારીઓ દેશની અંદર હવાઈ યાત્રા તેમના વિવેક પ્રમાણે કરી શકશે. એટલું જ નહીં પે સ્કેલ લેવલ ૧૦ અને ૧૧ની વચ્ચે હોય તેવા અધિકારીઓ પણ વિવેકબુદ્ધિ પ્રમાણે હવાઈ યાત્રાના માઇલેજ ભથ્થાં માટે હક્કદાર રહેશે.

આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ૫૦૦ કિલોમીટર એટલે કે ટ્રેન સેવા મારફતે રાત્રીભર જ્યાં યાત્રા કરવાની થતી હોય ત્યાં હવાઈ મુસાફરી કરી શકાશે.

નાણાં વિભાગે જે પે સ્કેલ લેવલ માટે મંજૂરી આપી છે તેમાં સચિવાલયના વિભાગોના સચિવો, વિભાગના વડા કે જેઓ આઇએએસના સુપર ટાઇમ સ્કેલમાં છે. જેમાં પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક અથવા તો પ્રધાન મુખ્ય વન સંરક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હક્કદાર છે, જેમના વેતન સ્કેલ લેવલ ૧૦ કે તેથી વધુ છે. વિભાગે આદેશમાં જણાવ્યું છે કે રાતભર યાત્રા કરવી ઉચિત નથી અને હવાઇ યાત્રા સાર્વજનિક હિતો માટે આવશ્યક માનવામાં આવે છે.

જે અધિકારીઓ હવાઈ યાત્રા કરવા માટે હક્કદાર છે તેઓ ટ્રાન્સફર વખતની હવાઈ મુસાફરીના સંદર્ભમાં પોતાના પરિવાર સાથે યાત્રા કરી શકે છે. જો કે રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓને હવાઈ યાત્રામાં ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવાની રહેશે. સરકાર તેઓને આ ક્લાસ માટે જ માઇલેજ ભથ્થું આપશે.

(11:39 AM IST)