<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ગુજરાતના હાઈવે ઉપર અરુણાચલ, નાગાલેન્‍ડ કે અન્‍ય પ્રદેશની નંબર પ્‍લેટવાળી લક્‍ઝરી બસ, ટ્રક કે ડમ્‍પર જોવા મળે તો આશ્‍ચર્ય પામતા નહીં

મોટર વેહિકલ ટેકસ બચાવવા માટે ઓપરેટરોનો નવો કિમિયો : ગુજરાતમાં જે લકઝરીનો વાર્ષિક ટેક્‍સ રૂ. 40 હજાર ભરવો પડે, તે અરુણાચલ પ્રદેશમાં માત્ર ૭ થી ૧૦ હજાર હોય છે

અમદાવાદ, તા.૧૧: ગુજરાતના હાઈવે ઉપર અરુણાચલ પ્રદેશ(AR), નાગાલેન્‍ડ(NL) કે અન્‍ય કેન્‍દ્ર શાસિત પ્રદેશની નંબરપ્‍લેટવાળી લક્‍ઝરી બસ, ટ્રક કે ડમ્‍પર જોવા મળે તો આશ્‍ચર્ય પામતા નહીં. આ વાહનો ગુજરાતના જ છે પરંતુ ઓપરેટરોએ વાહનોનો લાખો રૂપિયાનો ટેક્‍સ બચાવવા માટે કાયદાકીય છટકબારી શોધી લીધી છે. ગુજરાત કરતા આ રાજ્‍યો કે કેન્‍દ્રશાસિત પ્રદેશમાં ટેક્‍સ ઓછો હોવાથી જે તે સ્‍થળનું પાસિંગ કરાવી રહ્યા છે. 

સાામાન્‍ય રીતે જે તે રાજ્‍યમા ફરતાં વાહનોમાં તે રાજ્‍યની રજિસ્‍ટ્રેશન નંબરપ્‍લેટ લગાડવામાં આવતી હોય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં  અરુણાચલ પ્રદેશ (AR) નાગાલેન્‍ડ(NL) અને કેન્‍દ્રશાસિત પ્રદેશની  નંબર પ્‍લેટ વાળી લકઝરી બસો, ટ્રકો અને ડમ્‍પરો જોવા મળી રહ્યા છે. આરટીઓના સૂત્રો જણાવે છે કે, છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં લકઝરી બસ, ટ્રકના NOC લઈને તેને અન્‍ય સ્‍થળોએ ટ્રાન્‍સફર કરવામાં આવી રહી છે. જોકે નાગાલેન્‍ડ કે અરુણાચલ પ્રદેશમાં રજિસ્‍ટ્રેશન બાદ આ વાહનો ગુજરાતમાં જ ફરતા હોય છે.

ગુજરાતમાં એક લકઝરી બસની એવરેજ બેઠક ક્ષમતા મુજબ વાર્ષિક અંદાજે રૂ. ૩૫થી ૪૦ હજાર જેટલો ટેક્‍સ ભરવો પડે છે. ટ્રક કે ડમ્‍પરના વજન ઉપર ટેક્‍સ લાગે છે. હવે આ જ મોટર  વેહિકલ ટેક્‍સ અરુણાચલ પ્રદેશ, નાગાલેન્‍ડ કે કેન્‍દ્રશાસિત પ્રદેશમાં વાર્ષિક રૂ. ૭થી ૧૦ હજાર જ હોય છે. વાહનવ્‍યવહાર વિભાગની આંકડા શાખા મુજબ અત્‍યાર સુધીમાં લગભગ ૨૦૦૦ હજાર જેટલી બસો અને ૧૮૦૦ જેટલી ટ્રકો NOC લઈ ટ્રાન્‍સફર થઈ ચૂકી છે.

ગાંધીનગર વાહનવ્‍યવહાર વિભાગના એક અધિકારી નામ નહીં આપવાની શરતે કહે છે કે, રાજ્‍યમાંથી નાગાલેન્‍ડ કે અરુણાચલમાં ટ્રાન્‍સફર થયેલા વાહન ગુજરાતમાં જ કે આસપાસના રાજ્‍યોમાં ફરતા હોય છે. માત્ર કાયદાકીય છટકબારીનો લાભ લેવા અન્‍ય રાજ્‍યોમાં નોંધણી કરાવાય છે. જેને કારણે રાજ્‍ય સરકારની ટેક્‍સની આવકને કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે.

(2:01 PM IST)