News of Monday, 11th November 2024
ગુજરાતમાં પ દિવસમાં ઠંડીનો ચમકારો થવાની સંભાવના
લઘુતમ તાપમાનનો પારો તા. ૧પમીથી ૧૬ થી ર૦ ડિગ્રી વચ્ચે રહેશેઃ હવામાન વિભાગ

અમદાવાદ તા. ૧૧: અમદાવાદ સહિત રાજ્યભરમાં આખરે હવે આગામી ૫ દિવસમાં ઠંડીના ચમકારાનો પ્રારંભ થાય તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત દિવસ દરમિયાન પડતાં તાપમાંથી રાહત મળી શકે છે.
હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં ૧૫ નવેમ્બર બાદ ઠંડીનું પ્રભુત્વ વધવા લાગશે. ૧૫થી ૨૦ નવેમ્બર વચ્ચે તાપમાન ૧૬થી ૨૦ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. દરમિયાન આજે અમદાવાદમાં ૩૬.૧ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૧ ડિગ્રીનો જ્યારે ગત રાત્રિએ ૨૧ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
આજે દિવસ દરમિયાન અન્યત્ર ભાવનગરમાં ૩૪.૬, વડોદરામાં ૩૫, સુરત-અમરેલીમાં ૩૫.૨, ગાંધીનગરમાં ૩૫.૮, ડીસામાં ૩૬.૯, ભુજમાં ૩૭.૧, રાજકોટમાં ૩૭.૯ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે જ્યાં ૨૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ૧૬.૬ સાથે દાહોદ, ૧૮.૬ સાથે ગાંધીનગર, ૧૯.૪ સાથે વડોદરા, ૧૯.૬ સાથે અમરેલીનો સમાવેશ થાય છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
