<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ખ્યાતિ હોસ્પિટલ કાંડ: બે થી ત્રણ ફરિયાદ: મૃતકના પરિવારજનોએ બે ફરિયાદ દાખલ કરાવતા કડી પોલીસે કુલ પાંચ સામે ગુનો નોંધ્યો

ડૉ. પ્રશાંત વજીરાની, કાર્તિક પટેલ, સંજય પટોળિયા, સીઇઓ ચિરાગ રાજપુત, રાજશ્રી કોઠારીને આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા

કડી તાલુકાના બોરીસણામાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલના તબીબોએ 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 17 દર્દીઓને એન્જિયોગ્રાફી અને બે દર્દીઓને સ્ટેન્ટ મુકવાના ઓપરેશન કર્યા હતા. જેમાં દર્દીઓના મોત નીપજતા સમગ્ર હોબાળો થયો હતો. આ અનુંસધાનમાં રાજ્યના આરોગ્ય વિભાગે એક વિશેષ કમિટીની રચના કરીને તપાસ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. જેમાં માત્ર પીએમજેએવાય હેઠળ આર્થિક લાભ લેવા માટે તમામને કોઇ ખાસ બિમારી ન હોવા છતાંય, ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. આ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ડૉ.પ્રશાંત વજીરાણી (ઓપરેશન કરનાર), ડૉ. કાર્તિક પટેલ(હોસ્પિટલના ડાયરેક્ટર), ડૉ. સંજય પટોલિયા, ચિરાગ રાજપૂત (હોસ્પિટલના CEO) અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. તો સમાચાર મળી રહ્યા છે કે, ડૉ.પ્રશાંતની ધરપકડ પણ કરી લેવામાં આવી છે

ખ્યાતિ કાંડમાં વસ્ત્રાપુર પોલીસ દ્વારા દિવસ દરમિયાન ફરિયાદ દાખલ ન કરાતા કડી પોલીસ મથકે જીરો નંબરથી બંને મૃતકોના પરિવારજનો દ્વારા બે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે કુલ પાંચ સામે ગુનો નોંધ્યો હતો. ખ્યાતી હોસ્પિટલકાંડમાં બે દર્દીઓના મોત થવાના મામલે કડી પોલીસ સ્ટેશનમાં પણ બે ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં મૃતક નાગરભાઇ સેનમાના પુત્ર પ્રવિણભાઇ સેનમાએ નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ છે કે તેમના પિતાના સારવાર દરમિયાન યોગ્ય રીતે વેન્ટિલેટર લગાવાયું નહોતુ અને સ્ટાફ પણ હાજર નહોતો. જ્યારે બીજી ફરિયાદ મૃતક મહેશભાઇ બારોટના ભત્રીજા જયરામ બારોટે નોંધાવી છે. જેમાં મહેશભાઇને એન્જિયોપ્લાસ્ટી સમયે શ્વાસ ચડતા મોત થયાનું કારણ અપાયું હતું. આ અંગે ડૉ. પ્રશાંત વજીરાની, કાર્તિક પટેલ, સંજય પટોળિયા, સીઇઓ ચિરાગ રાજપુત, રાજશ્રી કોઠારીને આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

ખ્યાતિ હોસ્પિટલના કાંડ મામલે બે થી ત્રણ ફરિયાદ નોંધવામાં આવી રહી છે. જેમાં દર્દીના સગા તરફથી, આરોગ્ય વિભાગ તરફથી તેમજ પીએમજેએવાય હેઠળ ગેરકાયદેસર પ્રેક્ટિસ અંગેનો ગુનો નોંધવામાં આવશે. જણાવી દઈએ કે, આ અગાઉ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરાયેલા ખોટા ઓપરેશનનો ભોગ બનેલા બંને મૃતકોના સગાના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. 

(11:42 PM IST)