<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ખ્યાતિ હોસ્પિટલ કાંડ :તબીબો સહિત પાંચ વિરૂદ્ધ ગુનો દાખલ :ડૉ.પ્રશાંત વજીરાણીની ધરપકડ

સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ડૉ.પ્રશાંત વજીરાણી (ઓપરેશન કરનાર), ડૉ. કાર્તિક પટેલ(હોસ્પિટલના ડાયરેક્ટર), ડૉ. સંજય પટોલિયા, ચિરાગ રાજપૂત (હોસ્પિટલના CEO) અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધાયો

કડી તાલુકાના બોરીસણામાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલના તબીબોએ 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 17 દર્દીઓને એન્જિયોગ્રાફી અને બે દર્દીઓને સ્ટેન્ટ મુકવાના ઓપરેશન કર્યા હતા. જેમાં દર્દીઓના મોત નીપજતા સમગ્ર હોબાળો થયો હતો. આ અનુંસધાનમાં રાજ્યના આરોગ્ય વિભાગે એક વિશેષ કમિટીની રચના કરીને તપાસ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. જેમાં માત્ર પીએમજેએવાય હેઠળ આર્થિક લાભ લેવા માટે તમામને કોઇ ખાસ બિમારી ન હોવા છતાંય, ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. ]

 

  આ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ડૉ.પ્રશાંત વજીરાણી (ઓપરેશન કરનાર), ડૉ. કાર્તિક પટેલ(હોસ્પિટલના ડાયરેક્ટર), ડૉ. સંજય પટોલિયા, ચિરાગ રાજપૂત (હોસ્પિટલના CEO) અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. તો સમાચાર મળી રહ્યા છે કે, ડૉ.પ્રશાંતની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

  સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. પ્રકાશ મહેતાએ ખ્યાતી હોસ્પિટલ કાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવા માટે ડૉ. પ્રકાશ મહેતા ઉપરાંત, અન્ય તબીબોની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. મંગળવારે આ ટીમના સભ્યોએ ખ્યાતી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ચકાસણી કરવાની સાથે રિપોર્ટ તપાસ્યા હતા. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા કે 19 દદીઓ પૈકી કોઇ દર્દીને એન્જિયોપ્લાટી અને એન્જિયોગ્રાફીની જરૂર ન હોવા છતાંય, પીએમજેએવાય દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે તમામની સારવાર કરવામાં આવી હતી. જેમાં મરણ ગયેલા દર્દી મહેશ બારોટની રિપોર્ટ તપાસતા જાણવા મળ્યું હતું કે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કોઇ કારણ નહોતુ અને ઓપરેશન દરમિયાન કોઇ કાળજી લેવામાં આવી નહોતી. જ્યારે મૃત્યુ પામેલા અન્ય દર્દી નાગરભાઇ સેનમાના રિપોર્ટમાં સીપીઆરની સારવારના ડેટામાં છેડછાડ કરવામાં આવી હતી અને ઓપરેશન સમયે કાર્ડિયોલોજીસ્ટની હાજરી અંગેની નોંધ પણ કરવામાં આવી નહોતી. આમ, બંને કેસમાં યોજના દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવાનો બદઇરાદો સ્પષ્ટ થતો હતો.

  આ અંગે ડૉ.પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને સીઇઓ વિરૃદ્ધ  ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 336(3), 318 અને 61 મુજબ ગુનો નોંધીને વસ્ત્રાપુર પોલીસ કાર્યવાહી શરૂ કરી છે.

(11:46 PM IST)