<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

નર્મદા જિલ્લામાં પુરવઠા દુકાનો પર આ મહિને ખાંડ અને તુવેરદાળમાં ૫૦ ટકા ફાળવતા ગ્રાહકો સાથે તકરાર

આ મહિને આવેલા ઘઉંના જથ્થામાં પણ મોટા ભાગના કટ્ટામાં અતિશય કિલ્લા નીકળતા ગ્રાહકોની માથાકૂટ :ઘઉં કે અન્ય અનાજ ખરાબ આવે તો લેબ.માં તેના સેમ્પલ કંઈ રીતે પાસ થાય છે ..?:કાર્ડ પર ખાસ લેવા આવતા ખાંડ અને તુવેરદાળ જેવી વસ્તુઓમાં જ કાપ મુકાઈ તો ગરીબ પરિવારોનો મરો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોટી સંખ્યા માં હોવા છતાં વારંવાર આ જિલ્લામાં રેશનકાર્ડ પર મળતા અનાજના જથ્થામાં કાપ મૂકાતા કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે તકરાર થાય છે. આ નવેમ્બર મહિના માં પણ ખાંડ અને તુવેરદાળના જથ્થામાં ૫૦ ટકા જેવો કાપ મૂકવામાં આવ્યો છે

નર્મદા જિલ્લામાં રેશનકાર્ડ ઉપર મળતા અનાજના જથ્થામાં આ મહિને ખાંડ અને તુવેરદાળ માં ઉપર થી ૫૦ ટકાનો કાપ મૂકાતા કાર્ડ ધરાવતા અડધા ગ્રાહકો ને a વસ્તુઓ નહિ મળે તો દુકાનદારો સાથે માથાકૂટ થાય એ સ્વાભાવિક છે. આ જિલ્લા માં આદિવાસી ખેત મજૂરી કરી જીવન જીવતા પરિવારો ની મોટી સંખ્યા છે અને આવા પરિવારો રેશનકાર્ડ પર મળતા અનાજ પર જ પોતાના પરિવાર નું પેટ ભરતા હોય છે છતાં વારંવાર આમ અનાજ ઓછું મળતા આ પરિવારો ને બે ટાઇમ ભોજન કરવું મુશ્કેલ બને છે.
આ મહિને દુકાનો પર આવેલા ઘઉંમાં મોટાભાગના ઘઉં માં કિલ્લા (જીવાત) વધુ પ્રમાણમાં જોવા મળતા ગ્રાહકો દુકાનદાર સાથે માથાકૂટ કરતા હોય છે પરંતુ ઉપર થી આવા ખરાબ ઘઉં આવતા દુકાનદારો પણ શું કરે..? નિગમ આવા ખરાબ ઘઉં કેમ સપ્લાય કરે છે..? અને આ ઘઉં લેબ ટેસ્ટ માં પાસ કંઈ રીતે થાય છે ..? તેવા સવાલ ના જવાબ કોઈ પાસે નથી. પરંતુ કાર્ડ ધરાવતા લોકો પર મહેરબાન બનતી સરકાર આવી અગત્યની બાબતો પર ખાસ ધ્યાન આપે એ જરૂરી છે.
એક તરફ સરકાર ઘઉં અને ચોખા મફત આપી કાર્ડ ધરાવતા ગ્રાહકો પર ઉપકાર કરતી હોય એમ મોટી જાહેરાતો કરી પ્રસિધ્ધિ મેળવે છે, ત્યારે બીજી બાજુ બજાર માં મોંઘી મળતી ખાંડ અને તુવેરદાળ જેવી વસ્તુઓ માં કાપ મૂકતાં ગરીબ પરિવારો માટે આ કારમી મોંઘવારી માં આવી વસ્તુ ખરીદવી મુશ્કેલ બને છે.
: આ બાબતે નાંદોદ તાલુકા નાયબ પુરવઠા મામલતદાર રુદ્રદત્તસિંહ પરમાર સાથે વાત કરી તો તેમને જણાવ્યું કે ગયા મહિને તુવેરદાળ મોડી આપી હતી માટે હજુ દુકાનદારો પાસે એ જથ્થો પડેલો છે માટે ઓછો અપાશે, જ્યારે ખાંડમાં ઉપર થી ૫૦ ટકા કાપ આવ્યો છે માટે આ મહિને ખાંડ નો ૫૦ ટકા જથ્થો જ ફાળવવા માં આવશે.
 જોકે જાણવા મળ્યા મુજબ ફક્ત રાજપીપળાના દુકાનદારોને ગયા મહિનાના અંતમાં તુવેરદાળ અપાઈ હતી માટે આ દુકાનદારો આ મહિને આ જથ્થો કાર્ડ ધારકો ને આપી શકાશે પરંતુ ડેડીયાપાડા સહિત અન્ય તાલુકા માં ગયા મહિને તુવેરદાળ અપાઈ જ નથી તેમ છતાં આ મહિને ૫૦ ટકા દાળ માં કાપ મુકાયો છે એ કંઈ રીતે યોગ્ય છે. ? જે તાલુકાઓ માં ગયા મહિને દાળ ફળવાય જ નથી ત્યાં કાપ કેમ મુકાયો અને દાળ ઓછી આપતા ગ્રાહકો ને કઈ રીતે વિતરણ કરાશે..?

(12:48 AM IST)