News of Monday, 18th November 2024
ગુજરાતમાં હવે ગમે ત્યારે મંત્રી મંડળનું વિસ્તરણ
IPSની બદલીઓનું પણ કાઉન્ટડાઉન : ૭ થી ૮ ધારાસભ્યોને મંત્રીમંડળમાં લેવાય તેવી શક્યતા : ૨૦ મી પછી ગમે ત્યારે રાજકીય ધડાકો

અમદાવાદ,તા.૧૮ : ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી જેનો ઇન્તજાર છે તે મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના હવે ધીમે- ધીમે આગળ વધતી જોવા મળે છે, જેના કારણે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા બે સિનિયર નેતાઓ અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડાની સરકારમાં એન્ટ્રીની સંભાવનાઓ વધી છે .. એ ઉપરાંત ભાજપના બીજા સાત થી આઠ ધારાસભ્યોને કેબિનેટમાં સમાવી લેવામાં આવશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. હવે ૧૫૬ નહીં પણ ૧૬૧નો પાવર ધરાવતી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હાલ આઠ કેબિનેટ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ ફરજ બજાવે છે. ૨૮થી વધુ વિભાગો આ ૧૬ સભ્યો સંભાળી રહ્યાં છે જેથી કામનું ભારણ પણ વધારે છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કેબિનેટ વિસ્તરણનો સંકેત આપ્યો હતો ..પરંતુ, કેટલાક કારણોથી તેમાં વિલંબ થયો છે. જો કેબિનેટનું વિસ્તરણ થશે તો અગાઉ જેમને વાયદો કર્યો હતો તેવા કોંગ્રેસમાંથી આવેલા બે સભ્યો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની દાવેદારી યે પ્રબળ બનશે તેવું લાગી રહ્યું છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રની ચૂંટણી પછી કેબિનેટનો વિસ્તાર નક્કી જ છે, જેમાં નિષ્ક્રિય રહેલા ચાર થી પાંચ સભ્યોને પડતા પણ મૂકવામાં આવી શકે તેમ છે. વિસ્તરણ થયેલી કેબિનેટનું કદ ૨૩ સભ્યોનું હોવાના અણસાર છે. આ વિસ્તરણ કરવાનું બીજું કારણ સ્થાનિક ચૂંટણીઓ પણ છે.
ગુજરાતમાં લાંબા સમયના ઇન્તજાર પછી હવે આઇપીએસ અધિકારીઓની બદલી થવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. આ બદલીઓ ડિસેમ્બર મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યારપછી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે.બદલીઓ ઉપરાંત ચાર સિનિયર આઇપીએસ અધિકારીઓ વયનિવળત્ત થઇ ગયા હોવાથી અન્ય અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવશે. રાજ્યના સિનિયર મોસ્ટ આઇપીએસ અધિકારી શમશેરસિંહ દિલ્હી ડેપ્યુટેશન પર જશે તો તેમના પછી સિનિયોરિટીમાં આવતા અધિકારીઓને ઉપર આવવાના ચાન્સ મળી શકે તેમ છે. છેલ્લા એક વર્ષમાં એસીબીમાં શમશેર સિંહની જે કામગીરી રહી છે તે અત્યાર સુધીના તમામ અધિકારીઓમાં સૌથી નોંધનીય રહી છે .. ત્યારે શમશેર સિંહના દિલ્હી ગમન પછી દાદાનો ડંગોરો હવે કોણ પછાડશે તેની ચર્ચા છે ..સમશેરસિંહ પાસે લો એન્ડ ઓર્ડરના ડીજીપીનો પણ હવાલો છે. તેઓ માર્ચ ૨૦૨૬માં નિવળત્ત થવાના છે. આ પહેલાં રાજ્યના હાલના પોલીસ વડા વિકાસ સહાય જૂન ૨૦૨૫માં નિવળત્ત થશે, એ પહેલાં સરકારે પ્રમોશનની તૈયારીઓ પૂર્ણ કરવી પડશે. સંભવિત બદલીઓમાં પોલીસ ભવન ઉપરાંત પોલીસ કમિશનરો અને જિલ્લાના એસપીઓનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે પોલીસની સાથે સિનિયર આઇએએસ અધિકારીઓની બદલી માટે પણ તૈયારી શરૂ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચીફ સેક્રેટરી રાજકુમાર વચ્ચે આ મુદ્દે બેઠક થઇ છે. આ પહેલાં બન્ને જ્યારે નવી દિલ્હીની મુલાકાતે ગયા હતા ત્યારે પણ હાઇકમાન્ડ સમક્ષ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી અંગેનું માર્ગદર્શન લઇને આવ્યા છે. સંભવતઃ ડિસેમ્બરના અંતમાં થવાની શકયતા છે તે બદલીઓમાં સચિવાલયના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ બોર્ડ-નિગમના એમડી સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જિલ્લા વિકાસ અધિકારીઓના પ્રમોશન આવી રહ્યાં છે. તેથી તેમની ખાલી પડતી જગ્યાએ ભરતી થવાની છે. એ ઉપરાંત આસિસ્ટન્ટ કલેક્ટરના પ્રમોશન પણ લાંબા સમયથી પડ્યુ છે. એટલે કે પ્રમોશન સાથેની ટ્રાન્સફરો વધુ હોવાનું દેખાઇ રહ્યું છે. જેમ પોલીસ વિભાગમાં છ નવા આઇપીએસનો ઉમેરો થયો છે તેમ આઇપીએસ કેડરમાં પણ નવા પાંચ થી સાત નોમિનેટેડ IASનો ઉમેરો થવાના શકયતા છે.
ગુજરાતની ૧૧મી ચિંતન શિબિર ૨૧ થી ૨૩ નવેમ્બરે સોમનાથ મંદિરના પ્રાંગણમાં યોજાવાની છે જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓને ફરજિયાત ઉપસ્થિત રહેવાનું ફરમાન સામાન્ય વહીવટી વિભાગે કરી દીધું છે. જેથી આ ત્રણ દિવસ સુધી સમગ્ર સચિવાલયનું કામકાજ ઠપ્પ થઇ જવાનું છે. સચિવાલયનો વહીવટ સોમનાથથી થવાનો છે. આ શિબિરમાં સરકારના તમામ મંત્રીઓ, વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, બોર્ડ-નિગમના અધિકારીઓ તેમજ ૩૩ જિલ્લાઓના વડાઓ અપેક્ષિત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ શિબિરમાં ડેવલપમેન્ટના ૧૦ મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. એ ઉપરાંત આરોગ્ય-પોષણ, નવી પોલિસીઓ, શિક્ષણના સુધારા, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને સામાજિક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. પહેલીવાર આ શિબિરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બ્લોકચેન ટેકનોલોજી વિષયનો સમન્વય કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા આ શિબિરના પ્રેરણાદાતા હોવાથી ઉપસ્થિત રહેનારા તમામ અધિકારીઓ અને મંત્રીઓએ ત્રણ દિવસ સુધી વહેલી સવારે ઉઠીને યોગાસન-પ્રાણાયામ પણ કરવા પડશે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
