News of Tuesday, 19th November 2024
જંબુસરમાં મોડી રાત્રે ભયંકર અકસ્માત : બે બાળકો સહિત ૬ લોકોના કરૂણ મોત
જંબુસરના મગણાદ ગામ પાસે રસ્તા ઉપર ઉભી રહેલી ટ્રકમાં ઈકો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો : ૨ બાળક, ૨ મહિલા અને ૨ પુરૂષના મૃત્યુ થયા હતા તથા ૪ લોકો ગંભીર રીતે ધાયલ થયા હતા

ભરૂચ, તા.૧૯: ભરૂચ જિલ્લાના જબુંસર-આમોદ માર્ગ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૬ લોકોના મોત થયા હોવાની માહિતી મળી હતી. જયારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જબુંસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના પતરા કાપીને મળતદેહ અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે. જબુંસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ઇકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ૧૦ લોકોમાંથી ૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જબુંસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતને લઈને રોડ પર પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. અકસ્માતમાં વાહનોની હાલત જોઈને રોડ પર ઉભેલા લોકોના પણ રૂવાંડા ઉભા થઈ ગયા હતા. મગણાદ ગામ પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના કૂચા વળી ગયા અને ૫ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
