News of Wednesday, 20th November 2024
પ્રીમિયમની વસૂલાત વિના NA કરાયેલી જમીન જંત્રીના ૧૦% પ્રીમિયમથી હેતુફેર NA કરી અપાશે
હાલ, પ્રીમિયમ વસૂલાત પાત્ર બિનખેતીના નિર્ણય વખતે પ્રીમિયમ વસૂલાત રહી ગઈ હોય તો જંત્રીના ૩૦ ટકા પ્રમાણે વસૂલાત કરાય છે

અમદાવાદ, તા.૨૦: રાજ્યમાં ખેતી કે બિનખેતી હેતુ માટે અગાઉ બિનખેતી(NA) થયેલી જમીનની દરખાસ્ત પુનઃ હેતુફેર માટે કલેક્ટર સમક્ષ રજૂ થતી હોય છે. આ દરમિયાન કોઇપણ કેસમાં જો પ્રીમિયમ વસૂલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રીમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રીમિયમ પ્રવર્તમાન જંત્રી દરના ૩૦ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે, પરંતુ હવેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એવો નિર્ણય લીધો છે કે, જો ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રીમિયમની રકમ વસૂલવાપાત્ર હોવા છતાં પણ તે રકમની વસૂલાત કરાઈ નહોતી અને બિનખેતી પરવાનગી આપવામાં આવી છે તેવી જમીનમાં હાલના અરજદાર-કબજેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦ ટકા પ્રીમિયમની રકમ વસૂલ કરીને રિવાઈઝ્ડ બિન ખેતી(NA)ની પરવાનગી આપવાની રહેશે.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ સમાજના વિવિધ વર્ગો દ્વારા વિવિધ રજૂઆતો કરાઈ હતી. જેના સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા આ સકારાત્મક પ્રતિસાદ આપીને તેમણે હવે મહેસુલ વિભાગને એવા દિશા નિર્દેશો અપાયા છે કે હવેથી ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રીમિયમની રકમ વસૂલવાપાત્ર હોવા છતાં પણ તે રકમ વસૂલાઈ ન હોય અને બિનખેતી પરવાનગી આપવામાં આવી હોય ત્યારે તેવી જમીનમાં હાલના અરજદાર-કબજેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦ ટકા પ્રીમિયમની રકમ વસૂલ કરીને રિવાઈઝ્ડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે. જોકે, તેમાં એવી શરત પણ મૂકી છે કે, જે કિસ્સામાં પ્રીમિયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયો હોય તેવા કિસ્સામાં આ નિર્ણય લાગુ નહીં પડે. સરકાર એવું માને છે કે, આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા તથા ત્વરિતતા આવશે.
આખરે સરકારે નિર્ણય શું કર્યો?
રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રીમિયમની રકમ વસૂલવાપાત્ર હતી પણ તે રકમ વસૂલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવી હતી, તેવી જમીનમાં હાલના અરજદાર-કબજેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦ ટકા પ્રીમિયમની રકમ વસૂલ લઈ રિવાઈઝ બિનખેતીની પરવાનગી આપવાનું નક્કી કરાયું છે.
સરકારના નિર્ણયની પાછળ મુખ્ય મુદ્દો શું છે ?
અહીં મુદ્દો એ છે કે, ગણોતધારાની કલમ-૪૩ના નિયંત્રણવાળી ખેતીની જમીનના કેસમાં, તે કલમ હેઠળ પ્રીમિયમ લઇને તેની તબદિલી કરવાની પરવાનગી આપવામાં આવી હોય તો ફરીથી તબદિલી વખતે પરવાનગી લેવાની રહેતી નથી, પરંતુ વેચાણ રાખનાર કે તબદિલીમાં રાખનાર વ્યક્તિ બિનખેતી વિષયક હેતુ માટે તબદિલી કરવા પરવાનગી માગે ત્યારે નિયમ મુજબનું પ્રીમિયમ લેવાનું રહે છે. અર્થાત્ એક જ હેતુ માટે બે વખત પરવાનગી ન લેવી પડે, પણ એક વખત એક હેતુ માટેની તબદિલીની રજા મળી હોય તે જમીન બીજા હેતુ માટે ફરી પાછી તબદિલી કરવાની હોય તો રજા લેવી પડે અને નિયમ મુજબનું પ્રીમિયમ ભરવું પડે.
હાલ કલમ-૬૫ (A) હેઠળ કલેક્ટરની પૂર્વ મંજૂરી જરૂરી છે
હાલના રાજ્યના જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ (A) હેઠળ બિનખેતી થયેલી જમીનમાં હેતુફેરના કિસ્સામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી તથા આ અંગે પરવાનગી આપવા બાબતે આ કાયદાની કલમપ્ર૬૫ની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવાની થાય છે.
અરજી મળ્યા બાદ કલેક્ટર વસૂલાતપાત્ર રકમ વસૂલે છે.
હાલ જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ હેઠળ ખેતીની જમીનમાં બિનખેતી વિષયક ઉપયોગ માટે પણ કલેક્ટરની પૂર્વ પરવાનગીની જોગવાઈ હોવાથી કોઈપણ અરજદાર તરફથી અરજી મળ્યા બાદ કલેક્ટર સરકાર પક્ષે વસૂલવાપાત્ર રકમ વસૂલ લઇ પરવાનગી આપવામાં આવે છે.
મહેસૂલી નિયમો, કાયદાઓમાં વિવિધ હેતુફેરની જોગવાઈ છે.
ગુજરાત જમીન મહેસૂલ નિયમો-૧૯૭૨ના નિયમપ્ર૮૦ હેઠળ જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૪૮ મુજબના જમીનના જુદા-જુદા હેતુ માટે આકારણીમાં ફેરફારની જોગવાઈ છે.
કયા મુદ્દે રજૂઆત થઈ?
ભૂતકાળમાં પ્રીમિયમ વસૂલવાપાત્ર હોવા છતાં પણ જે તે કારણોસર તેની વસૂલાત કરવામાં આવી ન હોય તેવી બિનખેતી થયેલી જમીનમાં રિવાઇઝ બિનખેતી પરવાનગી વખતે હાલના અરજદાર-કબજેદાર પાસેથી પ્રીમિયમની રકમ વસૂલવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. જેના સંદર્ભે રાજ્ય સરકાર સમક્ષ સંખ્યાબંધ રજૂઆતો થઈ હતી.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
