News of Thursday, 21st November 2024
વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી: કારેલીબાગના પીઆઇ સહિત 17 કર્મીઓની બદલી
કારેલીબાગ પોલીસ મથકના પીઆઇ ડી વી બલદાણીયા અને પીએસઆઈ સહિતના 17 કર્મચારીઓ સામે પગલાં લઈને હેડ ક્વાર્ટર તેમજ અન્ય પોલીસ મથકોમાં બદલી કરી દેવાઈ

વડોદરા : નાગરવાડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારી બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં એસએસજી હોસ્પિટલમાં ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી. જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતના કર્મચારીઓની બેદરકારી થતી હોય પોલીસ કમિશનરે કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનરે તેમની સામે એક્શન લઈને પીઆઇ, પીએસઆઇ સહિતના 17 કર્મચારીઓની હેડ ક્વાર્ટર તથા અન્ય પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવામાં આવી છે.
વડોદરાના નાગરવાડા ખાતે આવેલ મહેતાવાડી વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારી બાદ માથાભારે અને રીઢા આરોપી બાબરખાન પઠાણ અને તેના સાગરીતો દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને ચપ્પુના ઉપરાછાપરી પાંચ ઘા ઝીકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં કારેલીબાગ પોલીસ મથકની બેદરકારી સામે આવતા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ કમિશનર દ્વારા ઘટનાની ગંભીરતાને લઈને નિષ્ક્રિયતા દાખવનાર કારેલીબાગ પોલીસ મથકના પીઆઇ ડી વી બલદાણીયા અને પીએસઆઈ સહિતના 17 કર્મચારીઓ સામે પગલાં લઈને તમામ 17 કર્મચારીઓની અન્ય હેડ ક્વાર્ટર તેમજ અન્ય પોલીસ મથકોમાં બદલી કરી દેવામાં આવી છે. સાથે શહેરના અન્ય પોલીસ મથકોમાં ફરજ બજાવતા પીઆઇઓની પણ આંતરિક બદલીઓનો હુકમ કરવામાં આવ્યો છે.
કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પીઆઇ ડી વી બલદાણીયાની બદલી મિસિંગ સેલમાં કરવામાં આવી છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ખાલી પડેલી ફર્સ્ટ પીઆઇની જગ્યા માટે પાણીગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ એચ એમ વ્યાસને મૂકવામાં આવ્યા છે. રાવપુરા પીઆઈ કે જે રાણા અને નવાપુરા પીઆઇ એચ એલ આહીરને ટ્રાફિકમાં મૂકી દેવામાં આવ્યા છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
