News of Thursday, 21st November 2024
ચેક રીટર્ન કેસમાં આરોપીને રૃ.૫.૪૦ લાખનો દંડ અને એક વર્ષની સજા
આરોપી નામદાર કોર્ટ સમક્ષએ વાત સાબિત નથી કરી શક્યા કે તેણીએ ફરિયાદીને કોરો ચેક અથવા તો ચેક સિક્યોરિટી પેટે આપ્યો હતો

વડોદરા, તા.૨૧ :ઘી નેગોશીયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કરેલ રૃપિયા ૫,૨૦,૦૦૦/- ની ખાનગી ફરિયાદ ચાલી જતાં આરોપીને વડોદરાના ૧૨માં વધારાના સિનિયર સિવિલ જજ બી.એસ.રાણાની કોર્ટમાં રૃપિયા ૫,૪૦,૦૦૦/- નો સી.આર,.પી.સી ની કલમ ૩૫૭(૧) હેઠળ દંડ અને ૧ વર્ષની સાદી કેદ અને ફરિયાદીને રૃપિયા ૫,૨૦,૦૦૦/- ની નુકસાન વળતરનો હુકમ કર્યો હતો.
ફરિયાદી ચેતન ભુપેન્દ્રભાઈ પટેલએ ઓક્ટોબર ૨૦૧૯ થી જુલાઈ ૨૦૨૧ ની વચ્ચે એમના પરિચિત મધુબેન વી.પરમારને મિત્રતામાં અને કોરોનાનાં કપરા સમયમાં મિત્રતામાં અલગ અલગ તારીખ બેંક ટ્રાન્સફર અને રોકડમાં કુલ રૃપિયા ૫,૨૦,૦૦૦/- થી વધુની આર્થિક મદદ કરેલ હતી. જે હાથ ઉછીની રકમ પરત ચુકવવા માટે મધુબેન પરમારે ફરિયાદીને એક ચેક આપેલ હતો. ફરિયાદી ચેતન ભુપેન્દ્રભાઈ પટેલએ વાયદા મુજબ ચેક પોતાની બેંકમાં ભર્યો હતો જે અપૂરતા નાણાંનાં શેરા સાથે આરોપીની બેંકે પરત મોકલેલ હતો. પોતાનાં વકીલ મારફતે જરૃરી કાયદેસરની નોટિસ અને ત્યાર બાદ વડોદરાની કોર્ટમાં પોતાનાં વકીલ અમિષ જે. દાદાવાલા મારફતે ખાનગી ફરિયાદ દાખલ કરતાં, આ કામનાં આરોપી પોતાના વકીલ એન.એન.મોદી મારફતે કોર્ટમાં હાજર રહ્યાં હતા અને ગુનો કબુલ ન હોવાનું જણાવી કેસ આગળ ચલાવવાની અરજી કરેલ હતી.
ત્યાર બાદ કોર્ટમાં કેસ ચાલી જતાં નામદાર કોર્ટે પોતાનાં ચુકાદામાં નોંધ્યું હતું કે, આ કામના આરોપીએ વાત કબુલ રાખી હતી કે મિત્રતામાં આ કામના ફરિયાદીએ તેણીને નાણાં આપ્યા હતા. આરોપી નામદાર કોર્ટ સમક્ષએ વાત સાબિત નથી કરી શક્યા કે તેણીએ ફરિયાદીને કોરો ચેક અથવા તો ચેક સિક્યોરિટી પેટે આપ્યો હતો. વધુમાં નામદાર કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી મધુબેન પરમારે ફરિયાદી ચેતન ભુપેન્દ્રભાઈ પટેલને મિત્રતામાં લીધેલ લોનની પુનઃ ચુકવણી પેટે બેંક મારફતે રૃપિયા ૧ લાખ પરત કરેલ છે. સમગ્ર ચર્ચા પરથી એ બાબત પુરવાર થાય છે કે ફરિયાદીનું આરોપી પાસેથી રૃપિયા ૫,૨૦,૦૦૦/- નું કાયદેસરનું લહેણું છે અને જે ઘી નેગોશીયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ની તમામ શરતોનું પાલન કરે છે. વધુમાં નામદાર કોર્ટે પોતાનાં ચુકાદામાં ટાંક્યું હતું કે, આરોપી પોતાનો કેસ કોર્ટ સમક્ષ સાબિત કરવા માટે જરૃરી એક પણ આધારભૂત પુરાવો રજુ કરી શક્યા નથી. આમ ઉપરના સંજોગમાં ફરિયાદી પોતાની ફરિયાદ પુરવાર કરી શકેલ છે અને કાયદા મુજબ વળતર મેળવવા હક્કદાર છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
