News of Tuesday, 26th November 2024
ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાના તઘલખી નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ
નર્મદા જિલ્લા કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર પાઠવી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવાની કરી માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા નર્મદા કલેકટરને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર નર્મદા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ નિવાસી નાયબ કલેકટરને પાઠવી ભારતીય જનતા પાર્ટીને નીતિ રીતિનો ભારે વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની ગરીબ આદિવાસી અને દલિત વિરુદ્ધની માનસિકતાનો વધુ એક પરચો તાજેતરમાં આપવામાં આવ્યો છે.
આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ૧ જુલાઈ, ૨૦૧૦થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર ૭૫% અને ૨૫% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ (ST)ના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી.
આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી સમાજનો બાળક પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિને હકદાર બને. આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો છે.
ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈપણ આદિવાસી બાળક (અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી) મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના ૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ જાહેર સરકારના આ ઠરાવ મુજબ થયેલા નિર્ણયથી ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા અનેક તેજસ્વી બાળકો મેટ્રિક પછી નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, એમ.બી.એ.. એમ.સી.એ., એમ.ઈ. અને એમ.ફાર્મથી લઈને અનેક પેરામેડીકલ કોર્સમાં મેટ્રિક પછી દાખલ થઈને શિષ્યવૃત્તિનો લાભ લેતા હતા.
આવા લાભ લેનારા મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય શિષ્યવૃત્તિના કારણે ભણી શકવાથી ઉજ્જ્વળ બનતું હતું. આવા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય કરી દેનારો ભારતીય જનતા પાર્ટીની સરકારનો નિર્ણય સંપૂર્ણપણે નીંદનીય છે. ખાલી ટેકનીકલ કોર્સમાં જ આ વર્ષે જોઈએ તો આદિવાસી સમાજમાંથી આવતા એસટી કેટેગરીના ૩૭૦૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધેલો છે, જેઓને હવેથી શિષ્યવૃત્તિ નહીં મળે. સરકાર તાત્કાલિક પોતાનો આ તઘલખી નિર્ણય રદ્દ કરે અને આદિવાસી સમાજમાંથી આવતા બાળકોને કોંગ્રેસના સમયથી મળતી આવતી શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવે.
આદિવાસી સમાજને કરવામાં આવેલા આ ઘોર અન્યાય બંધ કરવામાં આવે. સરકાર આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવા ની માંગ સાથે નર્મદા કલેકટર આલયમાં પાઠવવામાં આવેલા આવેદનપત્ર પ્રસંગે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ કોંગ્રેસ અગ્રણીઓ રાજુભાઈ ભીલ, નિલેશભાઈ વસાવા, ઠાકોર યાવર ખાન દાયમાં, રણજીતભાઈ તડવી મહાકાલી, રમણભાઈ તડવી,અમિત વસાવા, શૈલેષ વાઘડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
