News of Wednesday, 27th November 2024
રાજસ્થાનથી મુંબઇ જઇ રહેલી લકઝરી બસે સુરત પાસે ગોથું ખાધુઃ એકનું મોત, ૨૦ને ઇજા
સવારે પાંચેક વાગ્યે ઘટનાઃ ડ્રાઇવરને ઝોકુ આવી જતાં અકસ્માત સર્જાયાની શકયતા એકની હાલત ગંભીરઃ ફાયર બ્રિગેડ, પોલીસ, ૧૦૮ની ટીમોએ બસના પતરા કાપી ૪૦ મુસાફરોને બહાર કાઢ્યા

સુરત તા. ૨૭: સુરતના કોસંબા નજીક નેશનલ હાઇ-વે ૪૮ ઉપર આજે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાતા મુસાફરોની ચીસો ગાજી ઉઠી હતી. વહેલી સવારે પાંચેક વાગ્યે એક મુસાફરો ભરેલી લકઝરી બસ રોડ નીચે ઉતરી જતાંં તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. લોકોની ચીસો સાંભળીને અન્ય વાહનચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમર્જન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માકમાં બસના કેબીનના ભાગનું તો પડીકું વળી ગયું હતું અને તેમાં ફસાયેલા બેથી ત્રણ લોકો કણસી રહ્યાં હતાં. તો સાથે બસમાં પણ કેટલાંક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસનાં પતરાં કાપી અને પહોળા કરી ૪૦ મુસાફરોનું રેસ્ક્યૂ કરી તમામને બહાર કાઢ્યા હતા.
આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર હતી, જેમાં યુવક સંદીપ રામદાસ બાવિસ્કર ઉં.વ.૪૫નું સિવિલમાં સારવાર દરમિયાનમાં મોત નીપજ્યુ હતું. હાલમાં ૨૦થી વધુ મુસાફરો સ્મીમેર હોસ્પિટલમાં, જ્યારે ૭ જેટલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. બસના ડ્રાઇવરને ઝોકું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા ઉપજી રહી છે.
અકસ્માતની ઘટના નજરે જોનાર કાંતિભાઈ રાવલે કહ્યું હતું કે વહેલી સવારે સુરત જઇ રહ્યા હતા, ત્યારે કઈક અકસ્માત થયો હોવાનું નજરે ચડતા જ મેં મારી ગાડી ઉભી રાખી દીધી હતી. બસ નજીક આવી ને જોયું તો બહુ લોકો અંદર ફસાયેલા હતા. કાચ તોડી બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ ફસાયેલા લોકોની હાલત ખુબ જ ગંભીર હતી. કોઈક મુસાફરના હાથ-પગ તૂટી ગયા હતા તો કોઈકનું માથું ફૂટી ગયું હતું. આ બધું જોતાં જ ૧૦૮ અને ૧૦૩૩ નંબર પર કોલ કરી જાણ કરી હતી. થોડીવારમાં જ ૧૨-૧૫ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ આવી ગઈ હતી.
વધુમાં જાણવા મળ્યા મુજબ આ ઘટનામાં ડ્રાઇવર ઘટના સ્થળે મળી આવ્યો ન હતો. બસ ડ્રાઈવરને ઝોકું આવી ગયા બાદ બસ ખાડીમાં પડી ગઈ હોવાની સંભાવના છે. આ બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી. દરમિયાન સુરતથી નીકળ્યા બાદ કોસંબા નજીક પહોંચતા જ બ્રિજ પાસે જ નીચે ઊતરી ગઈ હતી.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
