<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં બ્રેકફાસ્ટ બાદ 150થી વધુ વિદ્યાર્થિનીની અચાનક તબિયત લથડી

પેટમાં દુખાવો અને વોમીટીંગ થતા કેમ્પસમાં ફરતા ખાનગી ઈલેકટ્રીક વાહનો મારફતે પારુલ હોસ્પિટલમા તાત્કાલીક ખસેડવામા આવ્યા: 50થી વધુ વિદ્યાર્થિનીઓને ખોરાકી ઝેરની વધુ અસર જણાતા તબીબી દેખરેખ હેઠળ વોર્ડમાં સારવાર

વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટી કેમ્પસની શકુન્તલા A હોસ્ટેલની 450 વિદ્યાર્થિનીઓએ સવારે ચા, કોફી અને સેન્ડવીચનો બ્રેકફાસ્ટ લીધો હતો. જે બાદ 150 ઊપરાંત વિદ્યાર્થિનીની તબીયત અચાનક લથડી હતી. જેમાં પેટમાં દુખાવો અને વોમીટીંગ થતા કેમ્પસમાં ફરતા ખાનગી ઈલેકટ્રીક વાહનો મારફતે પારુલ હોસ્પિટલમા તાત્કાલીક ખસેડવામા આવ્યા હતા.

એકસાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓની તબિયત લથડતાં તાત્કાલિક વિભાગના બેડ પણ એક સમયે ખૂટી પડ્યા હતા. જેના કારણે સ્ટ્રેચરો પર જ વિદ્યાર્થિનીઓને બોટલો ચડાવીને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી હતી. જો કે બપોર બાદ 50થી વધુ વિદ્યાર્થિનીઓને ખોરાકી ઝેરની વધુ અસર જણાતા તેઓને તબીબી દેખરેખ હેઠળ વોર્ડમાં સારવાર અપાઈ રહી છે.

બીજી તરફ કોલેજ સત્તાધીશો દ્વારા હોસ્પિટલ ખાતે સિક્યુરિટીનો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે. વોર્ડની બહાર પણ સિક્યુરિટીને ગોઠવવામાં આવી છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ મથકની ટીમ પણ પારુલ યુનિવર્સિટી ખાતે દોડી આવી હતી. જ્યાં વિદ્યાર્થિનીઓને ખોરાકી ઝેરની અસર કેવી રીતે થઈ? તે બાબતે પૂછપરછ હાથ ધરી હતી.

જ્યારે પારુલ યુનિવર્સિટીના ના સ્ટુડન્ટ વેલ્ફેર વિભાગના ડીન ધ્રુવિલ શાહે જણાવ્યું કે, હાલ તમામ વિદ્યાર્થિનીની તબિયત સારી છે અને તેમને હોસ્ટેલમાં મોકલી દેવામાં આવી છે.


 

(8:58 PM IST)