તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Thursday, 28th November 2024
ગાંધીનગરમાં ૩૧૦ કરોડના ખર્ચે ધારાસભ્યો માટે ૨૦૦ લક્ઝુરિયસ ફ્લેટ
પ્રોજેક્ટની કુલ કિંમત અસલમાં તો રૂ. ૨૪૭ કરોડ નક્કી કરાઇ હતી પરંતુ હાલ તેની કિંમતમાં વધારો થઇને રૂ. ૩૧૦ કરોડ ઉપર પહોંચી ગઇ : ૧૮૨ ધારાસભ્યો માટે હાઇરાઇઝ અલ્ટ્રા લક્ઝુરિયસ સ્કીમ : ૯ માળના ૧૨ ટાવર તૈયાર કરાશે : સંકુલમાં સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, વાંચન માટેનો રૂમ, હેલ્થ ક્લબ, કોમ્યુનિટિ હોલ, પ્લે એરિયા, ગાર્ડન, કેન્ટિન અને લીલાછમ ઘાસનો વિશાળ ખુલ્લો એરિયા છે

અમદાવાદ, તા.૨૮: ગાંધીનગરમાં ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવી રહયા છે. જેમાં તમામ પ્રકારની આધુનિક સુખ-સુવિધાવાળા ૩ બેડરૂમ-હોલ અને કિચન સાથેના ફ્લેટ રહેશે. ફ્લેટમાં ફ્રન્ટ ઓફિસ, મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા અને સંકુલમાં સર્વન્ટ ક્વાર્ટર્સ પણ રહેશે. આ ફ્લેટનો એરિયા ૨૧૦ ચો.મી.નો હશે. આ કોમ્પ્લેક્સમાં એક એમ્ફિથિયેટર, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, લીલા છમ ઘાસવાળી લોન સહિતની સુવિધા રહેશે.
કેપિટલ ગાંધીનગરમાં ધારાસભ્યો માટે તૈયાર થઇ રહેલા ફ્લેટનું કન્સ્ટ્રક્શન કામ હવે પૂરુ થવાની તૈયારીમાં છે. આ સમગ્ર પ્રોજેક્ટની કુલ કિંમત અસલમાં તો રૂ. ૨૪૭ કરોડ નક્કી કરાઇ હતી પરંતુ હાલ તેની કિંમતમાં વધારો થઇને રૂ. ૩૧૦ કરોડ ઉપર પહોંચી ગઇ છે. બિલ્ડિંગની કિંમત અંદાજે રૂ. ૨૦૩ કરોડ જેટલી થાય છે અને તમામ ફ્લેટમાં ફિક્સ કરાયેલાં ફર્નિચર માટે રૂ. ૮૦ કરોડ મંજૂર કરાયા છે, તેમ છતાં રાજ્ય સરકારના મકાન અને માર્ગ વિભાગે લાઇટ ફિટિંગ અને અન્ય જરૂરી એસેસરી માટે વધુ રૂ. ૩૦ કરોડની માંગણી સરકાર સમક્ષ મૂકી છે. જે પ્લોટ ઉપર આ ફ્લેટ બની રહયા છે તે સરકારની માલિકીની જમીન છે. તેમ નવગુજરાત સમય જણાવે છે.
પ્રત્યેક ૯ માળના એવા કુલ ૧૨ ટાવર બનાવવામાં આવ્યા છે. પ્રત્યેક માળ ઉપર ફક્ત બે ફ્લેટ છે, આ સમગ્ર સંકુલમાં સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, વાંચન માટેનો રૂમ, હેલ્થ ક્લબ, કોમ્યુનિટિ હોલ, પ્લે એરિયા, ગાર્ડન, કેન્ટિન અને લીલાછમ ઘાસનો વિશાળ ખુલ્લો એરિયા છે.
૧૨ ધારાસભ્યોની બનેલી એમએલએ રેસિડેન્સિયલ કમિટિની બુધવારે મળેલી બેઠકમાં વધારાના રૂ. ૩૦ કરોડની માંગણી માટે દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ ધારાસભ્યોએ તેનો સખત વિરોધ કર્યો હતો. માર્ગ અને મકાન વિભાગનું એમ કહેવું છે કે આ તમામ ફ્લેટના ઇન્ટિરિયર માટે એક કન્સલ્ટન્ટની નિમણૂંક કરી દેવાઇ છે, અને તમામ ફ્લેટમાં તદ્દન નવતર પ્રકારનું લાઇટ ફિટિંગ હશે. જો માર્ગ અને મકાન વિભાગની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો આ પ્રોજેક્ટની કુલ કિંમત વધીને રૂ. ૩૧૦ કરોડ ઉપર પહોંચી જશે. આ સમગ્ર સંકુલમાં ૨૦૦ ફ્લેટ છે તેથી પ્રત્યેક ફ્લેટની કિંમત રૂ. ૧.૪૫ કરોડની આસપાસ થાય છે જે ખરેખર ખૂબ મોંઘા ફ્લેટ કહેવાય કેમ કે ગાંધીનગરમાં આટલી કિંમતમાં તો બંગલો મળી જાય છે એમ ભાજપના એક ધારાસભ્યએ કહ્યું હતું.
આ ફ્લેટ સેક્ટર ૧૭માં બંધાઇ રહ્યા છે જે જૂના ક્વાર્ટર્સની તદ્દન નજીક છે. ધારાસભ્યો માટે નવા ફ્લેટ બાંધવાના પ્રોજેક્ટની દરખાસ્તને ૨૦૨૨ની વિધાનસભામાં મંજૂર કરવામાં આવી હતી. સમગ્ર સંકુલની જમીન ૨૦,૦૦૦ ચો.મી છે અને હાલના ફ્લેટ ૨૫ વર્ષ જૂના હોઇ તદ્દન જર્જરિત થઇ ગયા છે. તેથી સરકારે નવા ફ્લેટ બાંધવાનો નિર્ણય કર્યો હતો એમ ધારાસભ્યે ઉમેર્યું હતું.
ધારાસભ્યોને નવા ફ્લેટની સાથે શું આપવામાં આવશે?
૫૨ ઇંચનું સ્માર્ટ ટીવી
૩૨૦ લિટરનું ફ્રીજ
ત્રણ એરકન્ડિંશન
મોડયુલર કિચન
બેડ, સોફા, ડાયનિંગ ટેબલ અને અન્ય ફર્નિચર.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
