News of Monday, 2nd December 2024
૧૮ લાખ લાભાર્થીઓ ૩૧ ડિસે. પછી ફી ગેસ બોટલનો લાભ ગુમાવશે
ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં લાભ પહોંચાડવા પુરવઠા વિભાગને શિરે જવાબદારી વર્ષમાં બે ગેસ બોટલ ફ્રી હોવા છતાં એપ્રિલથી જૂનમાં ૧૩ લાખ લાભાર્થીઓએ લાભ લીધો નહીં

અમદાવાદ, તા.૨: કેન્દ્રની ઉજવલા યોજના હેઠળ નોંધાયેલા ૪૩ લાખ લાભાર્થીઓમાંથી હજી સુધી લાભ નહીં લેતા ૧૮ લાખ લાભાર્થીઓએ ૩૧ ડિસેમ્બર પછી ફ્રી ગેસ બોટલનો લાભ ગુમાવવો પડશે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં લાભ પહોંચાડવા પૂરવઠા વિભાગને શિરે જવાબદારી નંખાઈ છે. યોજના હેઠળ વર્ષમાં બે બોટલ ફ્રી હોવા છતાં એપ્રિલથી જૂનમાં પ્રથમ ફી ગેસ બોટલનો ૧૩ લાખ લાભાર્થીઓએ લાભ લીધો નથી. યોજના હેઠળ લાભાર્થીએ ડિલિવરી વખતે ગેસ બોટલની રકમ ચૂકવી દેવાની રહે છે. સરકાર તરફથી ફ્રી બે ગેસ બોટલની પૂરેપૂરી રકમ સબસિડીરુપે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરાય છે.
પૂરવઠા વિભાગના ઉચ્ચઅધિકારીઓએ કહયું કે, રાજ્યના પૂરવઠા વિભાગના પેટ્રોલિયમ દ્વારા ઉજવલા યોજના કાર્યરત છે. યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ૪૩ લાખ લાભાર્થીઓને વર્ષમાં બે વાર એપ્રિલથી જૂન અને ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન બે ફ્રી ગેસ બોટલનો લાભ મળે છે. એપ્રિલથી જૂનમાં ૧૩ લાખે ફ્રી એક ગેસ બોટલનો લાભ ગુમાવ્યો છે. હવે મળી શકવાનો પણ નથી. પરંતુ આગામી ૩૧મી ડિસેમ્બર સુધીમાં બીજા ફ્રી ગેસ બોટલનો લાભ મળે તે માટે પૂરવઠા વિભાગને જવાબદારી સોંપાઈ છે. પૂરવઠા વિભાગના આદેશથી જિલ્લા પૂરવઠા અધિકારીઓએ ગેસ એજન્સીઓ સાથે મિટીંગ કરી હતી અને તેમાં તમામ લાભાર્થીઓને લાભ મળી શકે તે માટે ફોન દ્વારા જાણ કરવા એજન્સીઓને તાકીદ કરી હતી.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
