<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

રાજ્યના જાણીતા મંદિરોની રેકી કરી ચોરી કરતી ટોળકી ઝડપાઈ

મંદિરોમાં રાતનાં સમયે કોઈ હાજર ન હોય જેથી તેઓ મંદિરોને ટાર્ગેટ કરતા હતા: અમદાવાદનું વૈષ્ણોદેવી મંદિર, બહુચરાજી મંદિર, કષ્ટભંજન દેવ મંદિર સહિતના જાણીતા મંદિરોની રેકી કરી હતી : પૂછપરછમાં ખુલાસો .

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તાજેતરમાં નવસારી જિલ્લાનાં બિલીમોરામાં જૈન મંદિરમાં મૂર્તિ તથા રોકડની ચોરી થઈ હતી, તે સિવાય અમદાવાદ, મહેસાણા, વલસાડ જિલ્લામાં થયેલી કુલ 7 ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલાયો છે. 

 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઈસનપુર ચંડોળા તળાવનાં ઢાળ પાસેથી 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે આમીનૂર પઠાણ અને યાસીન શેખ નામનાં બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ સાથે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો આરોપી અહેસામુદ્દીન શેખ અમદાવાદથી ટ્રેનમાં કલકત્તા ગયો હોવાની જાણ ક્રાઈમ બ્રાંચને થતા ખડકપુર ખાતે રેલવે પોલીસને સંપર્ક કરતા તેને પણ રેલવે પોલીસે ડીટેઈન કર્યો છે. 

 

આરોપીઓ પાસેથી ચાંદીનાં ચોરસા, પંચધાતુની મૂર્તિ, રોકડ 3.21 લાખ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ઝડપાયેલા આરોપીઓએ 5 જેટલા ચોરીનાં ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓની તપાસ કરતા તેઓની સામે અગાઉ ઈસનપુર, વટવા, નારોલ, સેટેલાઈટ, સરદારનગર સહિતનાં અનેક ગુનાઓ અગાઉ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ક્રાઈમ બ્રાંચે આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓની પુછપરછમાં સામે આવ્યું કે તેઓએ અમદાવાદનું વૈષ્ણોદેવી મંદિર, બહુચરાજી મંદિર, કષ્ટભંજન દેવ મંદિર સહિતના જાણીતા મંદિરોની રેકી કરી હતી. મંદિરોમાં રાતનાં સમયે કોઈ હાજર રહેતા ન હોય જેથી તેઓ મંદિરોને ટાર્ગેટ કરતા હતા. આ મામલે આરોપીઓએ કરેલા ગુનાની કબૂલાતને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(7:49 PM IST)