News of Tuesday, 3rd December 2024
થેલેસેમિયાના કુલ દર્દીઓમાંથી ૪૦% દર્દીઓ એકલા અમરેલીમાં
દર્દીઓની સંખ્યામાં ગુજરાતના અન્ય ટોપ ફાઇવ જિલ્લાઓમાં પોરબંદર, દાહોદ, અમદાવાદ અને મહેસાણા જિલ્લાનો સમાવેશ થાય છે : ગુજરાતમાં થેલેસેમિયાના દર્દીઓની સંખ્યા ભલે ૨,૧૬૮ નોંધાઈ હોય પણ વાસ્તવિક સંખ્યા ૭,૦૦૦ થી ૮,૦૦૦ ની વચ્ચે હોઈ શકે છે

અમદાવાદ, તા.૩: થેલેસેમિયાની સ્થિતિને લઈને રાજ્ય સરકારના ડેટા અનુસાર ગુજરાતમાં થેલેસેમિયાના કુલ દર્દીઓમાંથી ૪૦% દર્દીઓ એકલા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં છે. ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં નોંધાયેલા થેલેસેમિયા કુલ ૨,૧૬૮ દર્દીઓમાંથી ૪૦.૪% એટલે કે ૮૭૬ દર્દીઓ એકલા અમરેલી જિલ્લામાં છે. આ સિવાય થેલેસેમિયાના દર્દીઓની સંખ્યામાં ગુજરાતના અન્ય ટોપ ફાઇવ જિલ્લાઓમાં પોરબંદર, દાહોદ, અમદાવાદ અને મહેસાણા જિલ્લાનો સમાવેશ થાય છે.
જ્યારે સરકારી આંકડાઓ અનુસાર ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં થેલેસેમિયાના દર્દીઓની સંખ્યા ૨,૧૬૮ હતી, જો કે થેલેસેમિયાના દર્દીઓ સાથે કામ કરતા લોકોએ જણાવ્યું હતું કે રાજ્યમાં વાસ્તવિક સંખ્યા લગભગ ચાર ગણી વધારે હોઈ શકે છે. થેલેસેમિયા જાગળતિ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, આ એટલા માટે છે કારણ કે રાજ્ય સરકાર પાસે થેલેસેમિક દર્દીઓની કોઈ સત્તાવાર રજિસ્ટ્રી નથી. આ મુદ્દાને વધુ અસરકારક રીતે ઉકેલવા માટે સરકાર પાસે આવા દર્દીઓની વ્યાપક રજિસ્ટ્રી હોવી જરૂરી છે.
રાજ્યના ૪૦% થેલેસેમિક દર્દીઓ માત્ર અમરેલીમાં હોવા માટે અનેક કારણો જવાબદાર છે. જેમાં સૌથી સંભવિત બે કારણો પૈકી એક ચોક્કસ સમુદાયના વ્યક્તિઓમાં તેનું પ્રમાણ ખૂબ જ વ્યાપત છે. બીજું કારણ એ હોઈ શકે કે પ્રિવેન્શન એક્સપ્લોર નાઉ પ્રોગ્રામ્સ જિલ્લામાં અન્ય જિલ્લાઓની જેમ અસરકારક ન હોઈ શકે. ખત્રીએ જણાવ્યું હતું કે, લોહાણા, ઠક્કર, ભાનુશાળી, સિંધી અને પ્રજાપતિ સમુદાયના લોકોમાં થેલેસેમિયાનું પ્રમાણ વધુ છે અને મુસ્લિમોમાં પણ અન્ય સમુદાયના લોકોની સરખામણીએ છે.
રાજ્યમાં થેલેસેમિક દર્દીઓની સંખ્યા અંગે વાત કરતાં ખત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં થેલેસેમિયાના દર્દીઓની સંખ્યા ભલે ૨,૧૬૮ નોંધાઈ હોય પણ વાસ્તવિક સંખ્યા ૭,૦૦૦ થી ૮,૦૦૦ ની વચ્ચે હોઈ શકે છે. એકલા અમદાવાદમાં ૪૦૦-૫૦૦ દર્દીઓ રેડ ક્રોસમાં નોંધાયેલા છે, લગભગ ૩૦૦ જલારામ ટ્રસ્ટમાં નોંધાયેલા છે, અન્ય ૧૫૦ થેલેસેમિયા જાગળતિ ફાઉન્ડેશનમાં નોંધાયેલા છે, અને ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
