<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

વડોદરામાં સિગ્નલ તોડીને ભાગતા ટ્રાફિક જવાને રોકવા જતા કાર ચાલકે રોકવાના બદલે કચડવાનો પ્રયાસ કર્યો

ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ચાલકે પોતાની કારથી ટક્કર મારી ફરાર થઈ ગયો: સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસ કર્મચારીઓ હવે જાહેર માર્ગ ઉપર ઉતરી ડ્રાઇવ કરી રહ્યા છે. ત્યારે સિગ્નલ તોડીને પસાર થઈ રહેલા એક કાર ચાલકને અટકાવવા જતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ચાલકે પોતાની કારથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે ઇજાગ્રત પોલીસ કર્મચારીને ઈજા થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં કાર ચાલકે ટ્રાફિક પોલીસ કર્મચારીને કચરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સમા સર્કલ પાસે બપોરના સમયે આ ઘટના બની હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સિગ્નલ તોડી આવતા એક કાર ચાલકને ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કર્યો હતો.

કાર ચાલક રોકાયો નહીં અને ટ્રાફિક હેડ કોન્સ્ટેબલને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કાર ચાલક સિગ્નલ તોડીને આવ્યો અને જેને રોકવાનો ટ્રાફિક પોલીસ કર્મચારીએ પ્રયાસ કર્યો. પરંતુ કાર ચાલક રોકાવાની બદલે ટ્રાફિક પોલીસ જવાનને જ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

હાલ સમા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, કાર ચાલકે ટ્રાફિક જવાનને અડફેટે લીધા છે. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકને પકડવા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે વધુ પડતા અકસ્માતો ને નિવારવા માટે પણ હવે પોલીસ વધુ વ્યવસ્થા ગોઠવશે તેમ જણાવ્યું હતું.

(6:45 PM IST)