<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ખ્યાતિ કાંડ: ફરાર ડૉ. સંજય પટોલિયા ગોતાથી ઝડપાયો

ખ્યાતિ હોસ્પિટલના CEO કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ ભૂગર્ભમાં

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં ગુનો નોંધાયા બાદ છેલ્લા 24 દિવસથી પોલીસથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયેલ ડૉ. નરેશ પટોલિયા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપી પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલના CEO કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

હકીકતમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ ચાલી રહી છે. જ્યારે આ ગુનામાં ધરપકડ ટાળવા માટે ડૉ. સંજય પટોલિયા (રહે. થલતેજ, અમદાવાદ) નાસતો ફરતો હતો. જેને ઝડપી પાડવા માટે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ તેમજ સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ડૉ. સંજય પટોલિયા ગોતા સ્થિત સિલ્વર ઑક એન્જિનિયરિંગ કોલેજ નજીક આવી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વૉચ ગોઠવીને આરોપીને આવતાની સાથે જ ઝડપી પાડ્યો હતો.

 

ખ્યાતિ હોસ્પિટલનો બનાવ સામે આવ્યા બાદ 12 નવેમ્બરે સાંજે 5 વાગ્યે ડૉ. સંજય પટોલિયા રાજકોટમાં આવેલી પોતાની ન્યૂ લાઈફ હોસ્પિટલ જતો રહ્યો હતો. જે બાદ બીજા દિવસે પોતાની ફોર્ચ્યુનર કાર હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મૂકીને મોબાઈલ ફોન સ્વિચ ઑફ કરી ટ્રાવેલ્સમાં ઉદયપુર જતો રહ્યો હતો. 15 નવેમ્બરથી ગઈકાલે રાત સુધી સંજય પટોલિયા ઉદયપુર, નાથદ્વારા, અજમેર, પાલી, જયપુર, દિલ્હી સહિત અલગ-અલગ જગ્યાએ ટ્રાવેલ્સમાં ભટકતો હતો. આ દરમિયાન ઉદયપુરમાં 4 અલગ-અલગ હોટલ તેમજ અજમેર અને દિલ્હી ખાતે રાત્રિ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ધરપકડથી બચવા માટે ડૉ. સંજય પટોલિયાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાં ડૉ. સંજય પટોલીયાએ જણાવ્યું હતું કે, હું નિર્દોષ છું. હું પોલીસને તમામ પ્રકારની તપાસમાં સહકાર આપવા તૈયાર છું. આથી મને જામીન આપવામાં આવે.

જો કે પ્રિન્સિપાલ સેશન્સ જજ દ્વારા જામીન અરજી ફગાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે ટકોર કરી હતી કે, આરોપીએ સરકાર પાસેથી પૈસા પડાવવા માટે સુનિયોજીત કાવતરું ઘડ્યું હોવાનો ગંભીર કેસ છે, જેની તપાસ ચાલી રહી છે. આથી આવા આરોપીને જામીન આપી શકાય નહીં.

(7:10 PM IST)