<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

નર્મદા જિલ્લા પુરવઠા વિભાગે બે મહિના પર પકડેલો બે નંબરી સરકારી જથ્થામાં પોલીસ કેસ કેમ ના કર્યો...?!

ભૂતકાળમાં આવા કેસમાં પુરવઠા વિભાગે પોલીસ કેસો કર્યા છે તો આ જથ્થો પકડ્યા બાદ શું ભીનું સંકેલવામાં આવ્યું..?

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા :નર્મદા જિલ્લામાં બે નંબરી સરકારી અનાજ લે વેચનો ધંધો ફૂલ્યો ફાલ્યો હતો પરંતુ ઈનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીએ બે મહિના ઉપર માંડણ પાસેથી જથ્થો પકડ્યો હતો, જેમાં પકડાયેલો આ જથ્થો નેત્રંગની એક મિલમાં જતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. અને પકડાયેલા આ જથ્થામાં આંગણવાડીના ચણા પણ હતા ત્યારે પુરવઠા વિભાગે પકડાયેલા આ બે નંબરીયા વિરુદ્ધ પોલીસ કેસ કેમ ના કર્યો..? શું આ માટે કોઈ મોટુ સેટિંગ થયું હતું..? આ કેસમાં કોણે ભીનું સંકેલ્યું છે એ બાબતે જિલ્લા કલેકટર તપાસ કરશે..?

ઈનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એન.એફ.વસાવાએ તેમના ચાર્જમાં તેમને મળેલી બાતમીના આધારે માંડણ ગામ પાસેથી પિકઅપ ટેમ્પો નંબર GJ.22.U. 3033 માંથી સરકારી અનાજ નો બે નંબરી જથ્થો લઇ જનાર હિંમતભાઈ જયંતીભાઈ વસાવા, રહે. બોરિદ્રા ને ઝડપી પાડયો હતો જેમાં આંગણવાડી માં અપાતા ચણા પણ હોવાનું જોવા મળ્યું હતું ત્યારે પકડાયેલા જથ્થા માં ઘઉં.38 કટ્ટા, ચોખા.23 કટ્ટા, બાજરી. 6 કટ્ટા, તથા ચણા. 3 કટ્ટા મળી કુલ રૂપિયા 64,535 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરતા તપાસ દરમિયાન હિંમત વસાવા એ કબૂલ્યું હતું કે આ જથ્થો નેત્રંગ માં આવેલી લક્ષ્મી મીલ માં પહોચાડે છે, જેથી નર્મદા જિલ્લા પુરવઠા અધિકારી એ ભરૂચ જિલ્લા પુરવઠા વિભાગ ને પત્ર દ્વારા જાણ કરી કે લક્ષ્મી મિલ માં આ બાબતની તપાસ કરી અહેવાલ મોકલવો તો શું ત્યાંથી તપાસ થઈ, એનો અહેવાલ આવ્યો..? સાથે સાથે પકડાયેલા આંગણવાડી ના ચણા કયા કેન્દ્ર માંથી આવ્યા છે એ માટે આંગણવાડી ના પ્રોગ્રામ ઑફિસર ને તપાસ સોંપી રિપોર્ટ કરવા સુચના આપી છે. તો ત્યાંથી પણ કોઈ રિપોર્ટ આવ્યો કે આ તમામ નાટ્યાત્મક બાબત બાદ ભીનું સંકેલાયુ.?

અગત્યની વાત તો એ છે કે બે મહિના પર પકડેલા આ અનાજ માં કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી ઉપરાંત આ બે નંબરી ધંધો કરનાર વ્યક્તિ એ પુનઃ આ ધંધો ધમધોકાર શરૂ પણ કરી દીધો છે તો હાલમાં નવા રેગ્યુલર મુકાયેલા પુરવઠા અધિકારી વિવેક દરજી આ માટે યોગ્ય તપાસ કરી આ સરકારી અનાજ નો કાળો કારોબાર કરનાર વ્યક્તિ વિરુદ્ધ પગલા લેશે..?

આ બાબતે અમે જિલ્લા પુરવઠા અધિકારી વિવેક દરજી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મારા પહેલા ના અધિકારી એ આ અનાજ પકડ્યું હતું. હું આ બાબતે શું હકીકત છે તે તપાસ કરી આગળ થતી કાર્યવાહી કરીશ

(10:20 PM IST)