<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ડ્રાઈવિંગ કરતા પતિને વીડિયો કૉલ કરીને પત્નીએ બેડરૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાદ્યો

પતિને કહ્યું- હું તને વીડિયો કૉલ કરું છુ, તો રિસીવ કર:જીતેન્દ્ર પટેલે પત્નીનો વીડિયો કૉલ રિસીવ કરતા જ આરતીએ કહ્યું કે, હું ફાંસો ખાઈ મરી જવાની છું, આટલું બોલતા જ પત્નીએ ચાલુ વીડિયો કૉલમાં જ પતિની નજર સામે બેડરૂમના પંખા સાથે કપડું બાંધીને લટકી ગયા

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વતનમાં રહેતી પત્નીને વીડિયો કૉલ કરીને પતિએ આપઘાત કર્યો હતો. આવો જ વધુ એક બનાવ વલસાડ જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં પત્નીએ પતિને વીડિયો કૉલ કરીને તેની નજર સામે જ પંખે લટકીને આપઘાત કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ નવસારી જિલ્લાના ખેરગામના જીતેન્દ્ર પટેલ (36) વલસાડ શહેરના મોગરાવાડી ગરનાળા નજીકના એપાર્ટમેન્ટમાં પત્ની અને બે સંતાનો સાથે રહે છે. જીતેન્દ્ર પટેલ કેદારીયા ગેસ એજન્સીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે, જ્યારે પત્ની આરતી ઘરેથી જ ભરતકામ કરતા હતા.

 

ગઈકાલે સવારે 9 વાગ્યાના અરસામાં જીતેન્દ્ર પટેલ નોકરી પર ગયા હતા. જ્યાં બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ ડ્રાઈવિંગ કરી રહ્યા હતા, ત્યારે પત્ની આરતીએ તેમના મોબાઈલ પર ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, હું તને વીડિયો કૉલ કરું છુ, તો રિસીવ કર. આથી જીતેન્દ્ર પટેલે પત્નીનો વીડિયો કૉલ રિસીવ કરતા જ આરતીએ કહ્યું કે, હું ફાંસો ખાઈ મરી જવાની છું

આટલું બોલતા જ પત્નીએ ચાલુ વીડિયો કૉલમાં જ પતિની નજર સામે જ બેડરૂમના પંખા સાથે કપડું બાંધીને લટકી ગયા હતા. આ દ્રશ્ય જોઈને જીતેન્દ્ર પટેલ તાત્કાલિક ટેમ્પો લઈને ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી આસપાસના લોકોની મદદથી દરવાજો તોડીને જોતા પત્નીએ પંખા સાથે ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી.

જેથી જીતેન્દ્રભાઈએ પત્નીને નીચે ઉતારી હતી. જે બાદ આસપાસના લોકોએ 108ને જાણ કરતાં આવેલા સ્ટાફે આરતીને મૃત જાહેર કરી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે આરતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. હજુ સુધી આરતીએ ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, પરંતુ પોલીસે પતિનું નિવેદન લેવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:49 AM IST)