<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

રાજ્‍યના ૨૫ આઇપીએસની બદલીઃ રાજકોટના નવા એસપી તરીકે હિમકરસિંહઃ જયપાલસિંહ રાઠોડ અમદાવાદના એડીશનલ કમિશનર પદે મુકાયા

રાજકુમાર પાંડીયનને એડીજીપીની જવાબદારીઃ અમદાવાદના સ્‍પેશિયલ કમિશનર તરીકે મુકાયા વિધી ચોૈધરી

અમદાવાદ તા. ૧૦: રાજ્‍ય સરકારે બદલીઓનો ઘાણવો કાઢી એક સાથે ૨૫ આઇપીએસ અધિકારીઓને બદલ્‍યા છે. જેમાં રાજકોટ રૂરલના એસપી જયપાલસિંહ રાઠોડને અમદાવાદના એડીશનલ કમિશનર પદે મહત્‍વની જગ્‍યાએ નિમણુંક અપાઇ છે. જ્‍યારે રાજકોટ રૂરલના નવા એસપી તરીકે હિમકરસિંઘની નિમણુંક થઇ છે.

અમદાવાદ શહેરમાં અતિ મહત્‍વની ગણાતી સંયુક્‍ત પોલીસ કમિશનર સેક્‍ટર ૨ની પોસ્‍ટ માટે રાજકોટ ગ્રામ્‍યના ડીઆઇજી જયપાલસિંહ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. ઘણા સમયથી સિનિયર આઇપીએસ અધિકારી શમશેરસિંઘની કોઈ સારી જગ્‍યાએ બદલી થશે તેવી ચર્ચાઓ હતી પરંતુ તેમને એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોમાં તે જગ્‍યા પર યથાવત રાખવામાં આવ્‍યા છે. જ્‍યારે સીઆઇડી ક્રાઈમમાં કામગીરી કરનાર રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્‍યવસ્‍થાની જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદ સ્‍પેશિયલ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીની ગાંધીનગર મહિલા સેલના એડિશનલ ડિરેક્‍ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે. અમદાવાદમાંથી ઝોન ૧ અને ઝોન ૨ ડીસીપીની બદલી કરવામાં આવી છે. રાજકોટના વ્‍ય્‍ભ્‍ અગ્નિકાંડ બાદ પોસ્‍ટિંગ માટે વેઇટિંગમાં મૂકવામાં આવેલા વિધિ ચૌધરીની અમદાવાદ સ્‍પેશિયલ બ્રાન્‍ચ અને એડમિનના એડિશનલ સીપી તરીકે નિયુક્‍તિ કરવામાં આવી છે.

એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોના ડાયરેક્‍ટર અને ગુજરાતના સિનિયર મોસ્‍ટ અધિકારી ડો. શમશેરસિંઘને ડેપ્‍યુટેશન પર દિલ્‍હી મોકલવામાં આવ્‍યા છે, જ્‍યારે તેમનો એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોનો ચાર્જ યથાવત રાખવામાં આવ્‍યો છે. શમશેરસિંઘ પાસે કાયદો અને વ્‍યવસ્‍થાની જવાબદારી પણ હતી જેમાંથી તેમને મુક્‍ત કરવામાં આવ્‍યા છે અને સીઆઇડી ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્‍યવસ્‍થાની જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદમાં વર્ષોથી ફરજ બજાવતા સ્‍પેશિયલ પોલીસ કમિશનર અજય ચૌધરીની ગાંધીનગર ખાતે મહિલા સેલમાં એડિશનલ ડાયરેક્‍ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે. તેમની ખાલી પડેલી જગ્‍યાએ વિધિ ચૌધરીને પોસ્‍ટિંગ આપવામાં આવી છે. વિધિ ચૌધરી અમદાવાદ સ્‍પેશિયલ બ્રાન્‍ચ અને વહીવટનો હવાલો સંભાળશે.

ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટના તત્‍કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી હતી અને અમદાવાદના સંયુક્‍ત પોલીસ કમિશનર સેક્‍ટર ૨ બ્રિજેશકુમાર ઝાની રાજકોટ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. ત્‍યારથી અમદાવાદના સંયુક્‍ત પોલીસ કમિશનર સેક્‍ટર ૨ની જગ્‍યા ખાલી પડી હતી. સંયુક્‍ત પોલીસ કમિશનર સેક્‍ટર ૧ નીરજ બડગુર્જર પાસે તેમનો વધારાનો ચાર્જ હતો.જ્‍યારે અમદાવાદની અતિ મહત્‍વની ડીસીપી ઝોન ૧ની પોસ્‍ટ માટે અમદાવાદમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા બલરામ મીણાની પસંદગી કરવામાં આવી છે. જ્‍યારે ડીસીપી ઝોન ટુ તરીકે ભરત રાઠોડની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદથી ડીસીપી ઝોન ૧ હિમાંશુ વર્મા સીઆઇડી ક્રાઈમમાં ગયા છે. જ્‍યારે ઝોન ૨ શ્રીપાલ શેસમા પોસ્‍ટિંગ માટે વેઇટિંગ લિસ્‍ટમાં છે. તેમના અતડા સ્‍વભાવ અને વિવાદ ઊભા કરવાની આદતને લઈને તેમને પોસ્‍ટિંગ આપવામાં આવ્‍યું નથી તેવું અધિકારીઓમાં ચર્ચાઈ રહ્યું છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચમાં ફરજ બજાવી ચૂકેલા ઉષા રાડાને સીઆરપીએફમાંથી વડોદરા જેલના સુપરિટેન્‍ડેન્‍ટ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પાટણ જિલ્લા પોલીસવડા રવિન્‍દ્ર પટેલને વિવાદ નડ્‍યો અને તેમની બદલી પોલીસ હાઉસિંગ બોર્ડમાં કરી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસમાં કંટ્રોલ રૂમના ડીસીપી તરીકે ફરજ બજાવતા કોમલ વ્‍યાસની બદલી જામનગર સીઆરપીએફના કમાન્‍ડન્‍ટ તરીકે કરવામાં આવી છે.

(10:46 AM IST)