<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

સોલામાં ફાર્મહાઉસમાં ચાલતા જુગારધામ ઝડપાયું : લાખોની રોકડ સહિત 16 જુગારીઓની ધરપકડ

ઓગણજ લપકામણ રોડ પર ખોડિયાર ફાર્મમાં દરોડા:દિલીપ પટેલ નામનો શખ્સ જુગારધામ ચલાવતો હોવાનું ખુલ્યું : પીસીબીએ દરોડા પાડી કુલ 16 જુગારીઓની ધરપકડ કરી

અમદાવાદ શહેરમાં પીસીબી સ્કોડ ફરી એક વાર સક્રિય થયું છે. હાલમાં જ દરિયાપુરમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ હવે પશ્ચિમમાં સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પીસીબીએ જુગારધામ ઝડપી પાડ્યું છે. ફાર્મ હાઉસમાં આવેલા બંગ્લોમાં મુખ્ય આરોપી અન્ય લોકોને બોલાવી જુગાર રમાડતો હતો. પીસીબીએ દરોડા પાડી રોકડ, મોબાઈલ, વાહનો સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

પીસીબીની ટીમને મળેલી માહિતીના આધારે ઓગણજ લપકામણ રોડ પર ખોડિયાર ફાર્મમાં દરોડા પાડ્યા હતા. જ્યાં તપાસ કરતા દિલીપ પટેલ નામનો શખ્સ જુગારધામ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. પીસીબીએ દરોડા પાડતા કુલ 16 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જુગારધામ ચલાવનાર દિલીપ પટેલ અને તેની સાથે કિશનજી ઠાકોર, કમલેશ દંતાણી, મહેશજી ઠાકોર, કરણસિંહ સોલંકી, રમણજી ઠાકોર, મહેશ પટેલ, આકાશ ઠાકોર, મિતેશ પટેલ, જીગ્નેશ ઠાકોર, ઈમરાન ઘાંચી, જીગ્નેશ પટેલ, અલ્પેશજી ઠાકોર, માજીદખાન પઠાણ, મહોતજી ઠાકોરની ધરપકડ કરી છે. 

વધુ તપાસ કરતા પીસીબીની ટીમને ત્યાંથી 7 લાખ 29 હજાર 500 રૂપિયા રોકડા, 18 મોબાઈલ ફોન, 3 ટુ વ્હીલર, એક ફોર વ્હીલર અને જુગાર રમવાનાં સાધનો સહિત 23.40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પીસીબીએ આરોપીઓ સામે સોલા પોલીસ મથકે જુગારનો ગુનો દાખલ કરાવી વધુ તપાસ માટે આરોપીઓને સોલા પોલીસને હવાલે કર્યા છે.

(12:26 PM IST)