તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 10th December 2024
અમદાવાદમાં હિન્દુ હિત રક્ષક સમિતિ, ભાજપ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળ રચીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો : ચિન્મયદાસ મહારાજની મુક્તિની માગ કરી
બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની જે સ્થિતિ છે, તે આપણા માટે શરમજનક છે. ત્યાં મૂર્તિઓ ખંડિત થઈ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાઈ તેવી માગણી કરુ છું : જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ

અમદાવાદ તા.૧૦ : બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચાર મામલે છેલ્લા ઘણા સમયથી ભારતમાં વિરોધ પ્રદર્શન અને આંદોલન થઈ રહ્યાં છે. જે અંતર્ગત આજે અમદાવાદમાં હિન્દુ હિત રક્ષક સમિતિ, ભાજપ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 થી 9 સુધી વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવસાંકળ રચાઈ હતી. અને સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
માનવસાંકળ બનાવવામાં આવી
અમદાવાદ શહેરનાં વિવિધ બોર્ડમાંથી અંદાજીત 200 જેટલા લોકો સહિત ભાજપના સંત સમિતિના સભ્યો પણ રિવરફ્રન્ટ ખાતે હાજર રહ્યા છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરો, બંધ કરો સહિત વિવિધ નારા લગાવવામાં આવી રહ્યા છે. માનવસાંકળમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સહિત ભાજપના બોર્ડ પ્રમુખ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. આ સાથે ચિન્મય દાસજી મહારાજને મુક્ત કરવા જેવા નારા લગાવ્યા હતા.
બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાઈ તેવી માગણી
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની જે સ્થિતિ છે, તે આપણા માટે શરમજનક છે. ત્યાં મૂર્તિઓ ખંડિત થઈ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાઈ તેવી માગણી કરુ છું.
હિન્દુ સમાજ અને સમર્થકોમાં આક્રોશ
ભાડજ હરે ક્રિષ્ના મંદિરના શ્યામચરણ દાસજીએ કહ્યું હતું કે, ઘણા વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર થઇ રહ્યા છે. ઘણા વર્ષોથી મૂર્તિઓ ખંડિત કરવામાં આવે છે. પૂજારીઓની હત્યા કરવામાં આવી રહી છે. જેથી હિન્દુ સમાજ અને સમર્થકોમાં આક્રોશ છે. કોઈપણ દેશમાં પોતાના ધર્મનું પાલન કરવામાં આવે તેની સ્વતંત્રતા આપવી જોઈએ અને તેનો ભંગ કરનાર સામે યોગ્ય પગલાં લેવા જોઈએ.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
