<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

બાંધકામ શ્રમિકોને માત્ર પાંચ રૂા. માં ભોજનઃ વધુ ૧૦૦ કેન્‍દ્રો ચાલુ કરાશે

રાજકોટ જિલ્લામાં ૧૪, જામનગરમાં ૧૧, મોરબીમાં ૬ કેન્‍દ્રો કાર્યરત : સરકારે શ્રમિક અન્‍નપૂર્ણા યોજનાથી નવી કેડી કંડારીઃ બળવંતસિંહ

ગાંધીનગર તા. ૧૧ :.. કોઇપણ રાજ્‍યની સરકાર શ્રમયોગી કે મજૂર પરિવારોને એકદમ નજીવા દરે પૌષ્ટિક ભોજન તૈયાર કરીને આપે એનાથી રૂડું બીજું શું હોઈ શકે? રાજ્‍યના શ્રમિક પરિવારોની ક્ષુધા સંતોષવા માટે ગુજરાત સરકારે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના' શરુ કરીને એક નવી કેડી કંડારી છે. રાજ્‍યના મકાન અને અન્‍ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક, સાત્‍વિક અને સ્‍વાદિષ્ટ ભોજન મળી રહે, ઉપરાંત તેમનું આર્થિક ભારણ પણ ઘટે તે માટે આ યોજના હેઠળ રાજ્‍ય સરકાર દ્વારા માત્ર રૂ. ૫/-ના રાહત દરે તેમને ભરપેટ ભોજન આપવામાં આવે છે. રાજ્‍યમાં અત્‍યારે ૧૯ જિલ્લાના કુલ ૨૯૦ કડિયાનાકાઓ ખાતે આ ભોજન વિતરણ કેન્‍દ્રો કાર્યરત છે.

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આ સંદર્ભે જણાવ્‍યું હતું કે, ગુજરાતના દરેક શ્રમયોગીને રાહત દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડવું એ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વ હેઠળની સરકારનો મુખ્‍ય ધ્‍યેય છે. માત્ર એપ્રિલ-૨૦૨૪ થી અત્‍યાર સુધીમાં જ હજારો શ્રમિક પરિવારોને રૂ. ૫/-માં કુલ ૭૫.૭૦ લાખથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્‍યું છે. રાજ્‍યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં નવા ૧૦૦ કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્‍દ્રો શરૂ કરવાનું રાજ્‍ય સરકારનું આયોજન છે. શ્રમિક પરિવારોને માત્ર રૂ. ૫/-ના નજીવા દરે ભોજન પૂરું પાડવા માટે પ્રતિ ભોજન રાજ્‍ય સરકાર તરફથી રૂ. ૩૭/- સબસીડી ચૂકવવામાં આવે છે.

રાજ્‍યમાં હાલ  રાજકોટ જિલ્લામાં ૧૪, ભાવનગર જિલ્લામાં ૬,  જામનગર જિલ્લામાં ૧૧, ખેડા જિલ્લામાં ૪, મોરબી જિલ્લામાં ૬  ભોજન વિતરણ કેન્‍દ્રો કાર્યરત છે.

રાજ્‍યના ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ કડીયાનાકાઓ ખાતે ભોજન વિતરણ કેન્‍દ્રો કાર્યરત છે. આ ઉપરાંત જે બાંધકામ સ્‍થળ ખાતે ૫૦થી વધુ શ્રમિકો હોય તેવી બાંધકામ સાઈટ પર જઈને સ્‍થળ ઉપર પણ ભોજન વિતરણ કરવામાં આવે છે.

- ભોજન અને તેનું પ્રમાણ

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ. ૫/-માં શ્રમિક પરિવારને રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ સહિતનું સ્‍વાદિષ્ટ પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. વધુમાં, સપ્તાહમાં એક વાર સુખડી કે શીરા જેવા મિષ્ઠાનનો પણ સમાવેશ કરવામાં આવે છે. એક ભોજનમાં શ્રમિકના જરૂરિયાત મુજબ અંદાજે ૬૨૫ ગ્રામ અને ૧,૫૨૫ કેલેરી જેટલું ભોજન પીરસવામાં આવે છે, જેથી તેઓ તંદુરસ્‍ત રહી શકે.

(11:18 AM IST)