<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

વડોદરા વારસિયા વિસ્તારમાં હોટલમાં ચાલતા દેહ વ્યાપારના પર્દાફાશ : 6 લલનાઓને મુક્ત કરાવાઈ : 2 ગ્રાહકોની ધરપકડ

રીંગ રોડ પર આવેલ એચ.કે. વિલા હોટલમાં પરપ્રાંતિય યુવતીઓને રૂપિયાની લાલચ આપીને દેહવ્યાપારનો ધંધો :પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરી હોટલમાં મોકલીને કૂટણખાનાનો પર્દાફાશ કર્યો

વડોદરા :શહેરના વારસિયા વિસ્તારમાં હોટલમાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. જેમાંથી પોલીસે 6 પરપ્રાંતિય લલનાઓને મુક્ત કરાવીને શરીરસુખ માણવા આવેલ 2 ગ્રાહકોની ધરપકડ કરી છે. જ્યારે હોટલના મેનેજર સહિત 2ને વૉન્ટેડ જાહેર કર્યા છે.

વારસીયા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, રીંગ રોડ પર આવેલ એચ.કે. વિલા હોટલમાં પરપ્રાંતિય યુવતીઓને રૂપિયાની લાલચ આપીને દેહવ્યાપારનો ગોરખધંધો ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરીને હોટલમાં મોકલીને કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.

આ મામલે પોલીસે 6 પરપ્રાંતિય યુવતીઓને દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી. જ્યારે કુટણખાનામાં શરીરસુખ માણવા આવેલ ગ્રહાક જીતેન્દ્રસિંહ અને સૂરજસિંહની ધરપકડ કરી છે. જ્યારે હોટલના મેનેજર મિનેષ ઠક્કર, રોનક અને રમેશ પટેલને વૉન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં હોટલમાં શરીર સુખ માણવા આવતા ગ્રાહક દીઠ 2500 થી 3500 રૂપિયા લેવામાં આવતા હતા. હાલ તો પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:03 PM IST)