<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

વેપારીને ડ્રગ્સનાં કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા :હનીટ્રેપમાં વધુ એક ફરિયાદ

આરોપીની તપાસ કરતા અન્ય ભોગ બનનાર પણ મળી આવતા વધુ એક ફરિયાદ નોંધાઈ

અમદાવાદ;શહેરનાં નરોડા પોલીસ સ્ટેશનમાં હાલમાં જ એક વેપારીએ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા વેપારીને યુવતીએ મળવા બોલાવી કેનાલ પર લઈ ગઈ અને ત્યાં સાગરીતોએ આવીને વેપારીનું અપહરણ કરી 1 લાખ રોકડ અને 3 લાખનાં દાગીનાં પડાવી લીધા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. જોકે તે આરોપીની તપાસ કરતા અન્ય ભોગ બનનાર પણ મળી આવતા વધુ એક ફરિયાદ નોંધાઈ છે. 

 

સુરતમાં રહેતા અને ન્યુટ્રીશીયન પાવડરનો વેપાર કરતા વેપારીને 4 ડિસેમ્બર 2024નાં રોજ શીતલ મહેતા નામની યુવતીએ ફોન કર્યો હતો. જેણે ન્યુટ્રીશીયનનો પાવડર લેવાની વાત કરતા વેપારીએ ઓનલાઈન વિગતો મેળવવાનું કહેતા યુવતીએ રૂબરૂમાં માહિતી આપવાનું જણાવ્યું હતું. જે બાદ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. થોડા દિવસો પછી 9 ડિસેમ્બરનાં રોજ વેપારી બપોરનાં સમયે અમદાવાદ આવ્યા હતા. તેણે શીતલને ફોન કરતા શીતલે નરોડા એસપી રીંગ રોડ પર મળવા બોલાવ્યો હતો, જ્યાં શીતલ એક્ટીવા પર હાજર હતી તેણે વેપારીને પોતાનાં ઘરે જઈને ન્યુટ્રીશીયન પાવડર બાબતે વાતચીત કરવાનું કહીને વેપારીને એક્ટીવા પર બેસાડી નર્મદા કેનાલ પાસે લઈ ગઈ હતી.

 

કેનાલ પાસે પહોંચતા શીતલે એક્ટીવા સાઈડમાં કરી ત્યાં જ ન્યુટ્રીશીયન પ્રોડક્ટની માહિતી આપવાનું કહેતા વેપારી માહિતી આપતા હતા તે સમયે અચાનક એક નંબર પ્લેટ વિનાની ક્રેટા કારમાં 4 શખ્સો આવ્યા હતા. જેઓએ વેપારી પાસે આવીને તેની સાથેની મહિલા શીતલ ડ્રગ્સ વેચે છે અને ઘણાં દિવસોથી તેને શોધતા હોવાનું જણાવ્યું હતું. જે બાદ તમામ શખ્સોએ વેપારીને ધમકીઓ આપી હતી અને એક શખ્સે શીતલની એક્ટીવાની ડેકી ખોલી પર્સમા તપાસ કરતા તેમાંથી સફેદ કલરની ડ્રગ્સ જેવા દેખાતા પાવડરની પડીકી મળી હતી. જેથી શીતલ ડ્રગ્સ વેચે છે અને વેપારી પણ ડ્રગ્સ ડીલર છે તેવુ જણાવી બન્નેને ક્રેટા ગાડીમાં બેસાડી દિધા હતા.

 

આરોપીઓ વેપારી અને શીતલને લઈને કેનાલની આસપાસ ગાડી ફેરવવા લાગ્યા અને બાદમાં શીતલને એક્ટીવા સાથે મોકલી દીધી હતી. દોઢ કલાક સુધી સતત વેપારીને ગોળ ગોળ ફેરવી ત્રણેય આરોપીઓએ માર માર્યો હતો અને તેઓનો ફોન, પાકિટ અને ટ્રાવેલીંગ બેગ લઈ લીધી હતી. તમામ શખ્સોએ વેપારીને ડ્રગ્સનાં કેસમાં આજીવન જેલ થશે, તારે છુંટવુ હોય તો 25 લાખ ભરવા પડશે, જો નહી ભરે તો અમે આ બાબતે પોલીસને જાણ કરી તારા પર કેસ કરાવી દઈશુ તેમ કહીને વેપારીનાં હાથમા રહેલી સોનાની અઢી તોલાની લકી બળજબરીપૂર્વક કઢાવી લીધી હતી

જે બાદ આરોપીઓએ કેસ પતાવવા માટે અંતે 3 લાખ રૂપિયા આપવાનું કહેતા વેપારીએ બાપુનગરમાં મિત્ર મારફતે 3 લાખ રૂપિયા આંગડિયામાં મંગાવ્યા હતા. જે બાદ આરોપીઓએ વેપારી પાસેથી 3 લાખ રૂપિયા લઈ બાપુનગર ખાતે રોડ પર મુકી ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ વેપારી ડરી ગયા અને સુરત પરત ગયા હતા. અંતે આ મામલે વેપારીએ પરિવારને વાત કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

આ કેસમા સામેલ ટોળકીનાં જયરાજસિંહ બોરિચાની નરોડા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. આરોપી સાથે ગુનામાં સામેલ અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. જેમાં મંગળુ ખાચર, વીજય ઉર્ફે ભીખો, શિતલ પટેલ ઉર્ફે હીના સહિત અન્ય એક યુવતી આ ગેંગમાં સામેલ છે. તેવામાં આ ગેંગે આ રીતે અનેક વેપારીઓને મળવા બોલાવી ટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા હોવાથી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.

(6:40 PM IST)