<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં આવેલ 319 બોરવેલ બંધ કરીને હવે નર્મદાનું પાણી અપાશે

. AMCની સ્કૂલો તેમજ ખાનગી શાળાઓમાં પણ નર્મદાનું પાણી પુરુ પાડવામાં આવશે.

અમદાવાદના શહેરીજનોને બોરવેલનું પાણી બંધ કરીને નર્મદાનું પાણી પૂરું પાડવા માટે નીતિ તૈયાર કરવા અને તેનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા બોરવેલ બંધ કરીને બોરવેલ આધારિત પાણીના જોડાણો અને નેટવર્કમાં ફેરફાર તેમજ અમુક સુધારા વધારા કરીને નર્મદાના પાણી પૂરું પાડવામાં આવશે.

આ હેતુસર હયાત નેટવર્કની ડિઝાઈનમાં જરૂરી ફેરફાર કરવા અને ડિઝાઈન તૈયાર કરવા તેમજ આ કામગીરી માટેના ખર્ચનો અંદાજ તૈયાર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર વિભાગને સૂચના આપવામાં આવી છે. બોરવેલના પાણીમાં TDSનું પ્રમાણ વધુ હોય છે. કેટલાક વિસ્તારોના બોરવેલના પાણીમાં 1,800 જેટલું TDS હોય છે. લોકોને વધુ TDS વાળું પાણી પીવાને કારણે આર્થરાઈટિસ, ઘૂંટણ તેમજ સાંધાનો દુખાવો, હાડકાંના રોગનો ભોગ બનવું પડે છે. આથી જનતાને બોરવેલનું પાણી બંધ કરીને નર્મદાનું પાણી આપવામાં આવશે. વોટર સપ્લાય કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં મધ્ય ઝોનમાં 26, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 47, દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં 32, પશ્ચિમ ઝોનમાં 27, ઉત્તર ઝોનમાં 53, દક્ષિણ ઝોનમાં 76 અને પૂર્વ ઝોનમાં 58 બોરવેલ આવેલા છે. શહેરના ખાડિયા, અસારવા, ઘાટલોડિયા, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, જોધપુર, મક્તમપુર, સરખેજ, પાલડી, વાસણા, નવા વાડજ, ચાંદખેડા, સાબરમતી, મણિનગર, દાણીલીમડા, બહેરામપુરા, લાંભા, વટવા, ઈન્ડિયા કોલોની, નરોડા, સૈજપુર- બોઘા, સરસપુર- રખિયાલ સહિતના વિસ્તારોમાં બોરવેલ આધારિત પાણી આપવાનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે.

(1:23 PM IST)