<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

શિયાળો જામતો જાય છે છતાં પણ શાકભાજીના ભાવમાં ભડકો યથાવત : 4 વર્ષમાં સૌથી વધુ બટાટાના ભાવ વધ્યા : ગૃહિણીઓ માટે દરરોજ શું રસોઈ બનાવવી તે પ્રશ્ન

ખાણીપીણી સાથે જોડાયેલી સામગ્રીના ભાવનો મોંઘવારી દર ઘટીને ત્રણ મહિનાના પોતાના નીચલા સ્તરે એટલે 9કે ટકાએ આવી ગયો છતાં પણ શિયાળુ શાકભાજી હજી પણ પહેલાંની સરખામણીએ સૌથી ઉંચા સ્તરે

અમદાવાદ તા.૧૮ : નવેમ્બર મહિના દરમિયાન ખાણીપીણી સાથે જોડાયેલી સામગ્રીના ભાવનો મોંઘવારી દર  ઘટીને ત્રણ મહિનાના પોતાના નીચલા સ્તરે એટલે 9કે ટકાએ આવી ગયો છે. તેમજ શાકભાજી સાથે સંબંધિત મોંઘવારીનો દર એક મહિના પહેલાંના 42.2 ટકાથી ઘટીને 29.3 ટકાએ આવી ગયો છે. જોકે, મનીકંટ્રોલના એક એનાલિસિસથી જાણવા મળ્યું કે શિયાળુ શાકભાજી હજી પણ પહેલાંની સરખામણીએ સૌથી ઉંચા સ્તરે છે. સાથે જ ગાજર, મૂળા, કોબીજ અને ફ્લાવર પણ નવેમ્બરમાં મોંઘા થઇ ગયા છે.

શાકભાજીના મોંઘવારી દર માટે 19 શાકભાજીના ભાવ ટ્રેક કરવામાં આવે છે. તેને 19માંથી 17 વસ્તુઓના ભાવમાં નવેમ્બર મહિના દરમિયાન 10 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે તેમજ 10 વસ્તુઓના ભાવમાં 20 ટકાથી વધુ વધારો જોવા મળ્યો છે. લસણના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે, જેનો મોંઘવારી દર 85.1 ટકા રહ્યો છે, જે ગત મહિને 82.8 ટકા રહ્યો હતો. ત્યારબાદ બીજા નંબરે બટાકા રહ્યા હતા, જેનો ભાવ 66.6 ટકા વધ્યો હતો.

શિયાળાની બાકીની શાકભાજીની વાત કરીએ તો ફ્લાવરનો મોંઘવારી દર 47.7ટકા સાથે 33 મહિનાના ઉચ્ચતમ સ્તરે રહ્યો, તેમજ કોબીજનો મોંઘવારી દર 43.6 ટકાની સાથે નવેમ્બર મહિનામાં તેના ત્રણ વર્ષની ટોચે છે. ટામેટાના ભાવમાં ઓક્ટોબર મહિના 110 ટકાની સરખામણીએ ઘટાડો થયો, પરંતુ તેમ છતાં તે નવેમ્બરમાં 41 ટકાના ઉચ્ચ સ્તરે હતું.

ગાજરના ભાવમાં 32 મહિનામાં સૌથી ઝડપી વધારો થયો છે. સાથે જ મોંઘવારી ગત મહિનાના 22.8 ટકાથી વધીને 33.4 ટકા થઇ ગઈ છે. પાલક અને બીજી પાંદડાવાળા શાકભાજી નવેમ્બરમાં 24.6 ટકાની મોંઘવારી જોવા મળી હતી. જે ગત એક દાયકાથી વધુ સમયમાં સૌથી વધારે છે. નવેમ્બરમાં ગાજરનો સરેરાશ માર્કેટ ભાવ ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 18 ટકા વધુ હતો.

ત્યારે નવેમ્બરમાં રિટેલ ઈન્ફ્લેશન રેટ ઘટીને 5.5 ટકા પર આવી ગયો હતો, જે તેના ગત મહિને 6.2 ટકા હતો. મોંઘવારીના ઊંચા દરે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ને વ્યાજ દર ઘટાડવાથી રોકી રાખ્યું છે. RBIએ ડિસેમ્બરની પોતાની સમીક્ષા બેઠકમાં સતત 11મી વખત રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 6.5 ટકાએ જાળવી રાખ્યો છે. કેન્દ્રીય બેંકે નાણાંકીય વર્ષ 2025 માટે પોતાના મોંઘવારી અંદાજને પહેલાના 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કરી દીધું છે.

(4:40 PM IST)