News of Wednesday, 18th December 2024
અમદાવાદ કોર્પોરેશનના અણઘડ વહીવટનો નમૂનો: ઘુમા-શીલજ બ્રિજના સામે છેડે રસ્તો જ નથી છતાં તંત્રએ કરી નાખ્યો 80 કરોડનો ધુમાડો : બ્રિજનાં છેડે 30 ફૂટનાં અંતરે દીવાલ હોવાથી સમસ્યા
વાહન ચાલકો અને સ્થાનિકોમાં તંત્રની બેદરકારી સામે નારાજગી જોવા મળી : બાળક બુદ્ધિ જેવી કામગીરીથી લોકોની સમસ્યામાં વધારો : પ્લાનિંગ વગર બ્રિજ બનાવ્યો હોવાનો લોકોએ આક્ષેપ

અમદાવાદ તા.૧૮ : અમદાવાદ શહેરમાં તંત્રનાં અણઘડ વહીવટનો નમૂનો સામે આવ્યો છે. ઘુમા-શીલજ બ્રિજ માટે તંત્રએ 80 કરોડનાં રૂપિયાનો ધુમાડો કર્યો છે. સ્થાનિકો દ્વારા પહેલા રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.
80 કરોડના રૂપિયાનો ધુમાડો
અમદાવાદ શહેરમાં તંત્રનાં અણઘડ વહીવટનો નમૂનો સામે આવ્યો છે. ઘુમા-શીલજ બ્રિજ માટે તંત્રએ 80 કરોડના રૂપિયાનો ધુમાડો કર્યો છે. મણિપુર તરફ જતા બ્રિજનાં છેડે સામે રસ્તો જ નથી.
પ્લાનિંગ વગર બ્રિજ બનાવ્યો હોવાનો લોકોએ આક્ષેપ
યોગ્ય આયોજન વગરનાં બ્રિજની 80 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બ્રિજનાં છેડે 30 ફૂટનાં અંતરે દીવાલ હોવાથી સમસ્યા સર્જાવા પામી છે. વાહન ચાલકો અને સ્થાનિકોમાં તંત્રની બેદરકારી સામે નારાજગી જોવા મળી રહી છે. બાળક બુદ્ધિ જેવી કામગીરીથી લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્લાનિંગ વગર બ્રિજ બનાવ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.
આમ જનતાને કોઈ ફાયદો નથીઃ બ્રિજેશ પટેલ
આ બાબતે બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે, આમ જનતાને કોઈ ફાયદો નથી. આમ જનતાને જે ફાયદો થવો જોઈએએ પહેલા મણીપુર જે ડીપી હતી. તેમાંથી ટીપી કરીને પછી આ રસ્તો ખોલી નાંખવાનો હતો. પછી આ બ્રિજ ડેવલપ કરવાનો હતો. અથવા ચાલુ ડેવલપમેન્ટે આ રસ્તો ખોલી નાંખવાનો હતો. હવે એ ખોલ્યો નથી એ ભૂલ કહેવાય ઔડાની
રસ્તો જ ખબર નથી કે કઈ બાજુ જાય છેઃ સંદીપભાઈ
રાહદારી સંદીપભાઈએ જણાવ્યું હતું કે, બ્રિજની સામે એકદમ દીવાલ છે. હું પાછળ કોલેજે જતો હતો આટલું બધુ ફરીને આવ્યો. ત્યારે બ્રિજની સામે જ દીવાલ છે તો કઈ રીતે નીકળવાનું. રસ્તો જ ખબર નથી કે કઈ બાજુ જાય છે. કોઈને મરવું હોય તો જ અહીંયા આવે. એટલું સારૂ કહેવાય કે કોઈ છે કહેવાવાળું. જો કોઈ સ્પીડમાં આવતો હોય અને બ્રેક ન લાગે તો મરી જાય.
બ્રિજનો કોઈપણ ઉપયોગ થાય નહીઃ ભાવિન શુક્લા (સ્થાનિક)
હેપ્પી બંગ્લોઝમાં રહેતા ભાવિન મહેન્દ્રપ્રસાદ શુક્લાએ જણાવ્યું હતું કે, બ્રિજની આજુબાજુમાં 15 થી 20 સોસાયટીઓ આવેલી છે. અને આ બ્રિજ જે બનાવવામાં આવેલ છે પણ એ બ્રિજનો કોઈપણ ઉપયોગ થાય નહી. એવું અત્યારે કામ કરીને મુક્યું છે. અંદરનાં ઈરીયર રસ્તા પણ કનેક્ટેડ ન થાય. એ રીતનું પ્લાનિંગ હોય. એ લોકોએ અત્યારે આ બ્રિજ બનાવ્યો. પણ એનો કોઈ ઉપયોગ ન થાય એ રીતે બનાવ્યો છે.
બ્રિજથી ગાડી ઉતરતા જ સામે રોડ પૂરોઃ લગધીરસિંહ બારડ(સ્થાનિક)
લગધીરસિંહ નટવરસિંહ બારડે જણાવ્યું હતું કે, હું જીઈબી રોડનાં હેપ્પી બંગ્લોમાં રહું છું. તેમજ સરકાર દ્વારા જ્યારે બ્રિજ બનાવવાનો હતો ત્યારે બ્રિજની આગળનાં જે રોડ રસ્તા છે તેને તો ખોલ્યા જ નથી. જેવી બ્રિજથી ગાડી નીચે ઉતરે ત્યારે સામે તો રોડ પૂરો જ થઈ જાય છે. એટલે બ્રિજનો કોઈ અર્થ જ નથી. તેમજ બ્રિજ બનાવવામાં આવ્યો તે સારૂ છે કારણ કે રેલવે ફાટકનાં કારણે લાંબા સમય સુધી ઉભા રહેવું પડતું હતું. બ્રિજ બની જતા હવે ઉભા રહેવું પડતું નથી.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
