News of Wednesday, 18th December 2024
અમદાવાદ મેટ્રોની હવે મોબાઈલની મદદથી ઑનલાઈન ટિકિટ બુક કરાવી શકાશે : GMRCએ ટિકિટિંગ એપ્લિકેશન લોન્ચ કરી
એન્ડ્રોઈડ પર ઉપલબ્ધ એપ્લિકેશન 23 ડિસેમ્બરથી iOS પર પણ ઉપલબ્ધ બનશે: બુક કરાવ્યા બાદ 2 કલાક સુધી માન્ય રહેશે ઑનલાઈન ટિકિટ

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરી રહેલા લાખો મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં હવેથી શહેરીજનોને ટિકિટ માટેની લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. હકીકતમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આજે મોબાઈલ ટિકિટિંગ એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે.
GMRC દ્વારા મોબાઈલ ટિકિટિંગ એપ્લિકેશન Ahmedabad Metro સત્તાવાર રીતે લૉન્ચ કરી દીધી છે. જે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર પર હાલ ઉપલબ્ધ છે. આગામી 23 ડિસેમ્બરથી આ એપ્લિકેશન iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્થ થશે.
આ એપ્લિકેશનની મદદથી મુસાફરો હવે પોતાના મોબાઈલ ફોન થકી મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકશે. આ રીતે બુક કરવામાં આવેલી ટિકિટ માટેની ચૂકવણી મુસાફર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ તેમજ UPI થકી કરી શકશે.
અત્યાર સુધી મુસાફરો મેટ્રો સ્ટેશને પહોંચીને પોતાને જે જગ્યાએ જવું હોય, ત્યાંની ટિકિટ લેતા હતા. જેના પરિણામે ઘણી વખત ઑફિસ સમયમાં ટિકિટ લઈને વ્યક્તિ પ્લેટફોર્મ સુધી પહોંચે, ત્યાં સુધીમાં મેટ્રો સ્ટેશન છોડી દેતી હતી. જો કે Ahmedabad Metro એપ્લિકેશન લોન્ચ થતાં હવે આ ઝંઝટમાંથી છૂટકારો મળી જશે.
જેના માટે સૌ પ્રથમ તમારે મેટ્રો રેલની ઑફિશિયલ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. જેને ઑપન કરતાં Book Ticket નો ઑપ્શન જોવા મળશે. જેમાં ક્લિક કરતાં ક્યા સ્ટેશનથી ક્યા સ્ટેશન સુધીની ટિકિટ જોઈએ છે, તે સિલેક્ટ કરવાનું રહેશે. જે બાદ કન્ફર્મ ટિકિટ પર ક્લિક કરવાથી ભાડું દર્શાવવામાં આવશે.
હવે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે UPI થકી ઑનલાઈન પેમેન્ટ કરશો, તે સાથે જ તમારી ટિકિટ જનરેટ થઈ જશે. આ રીતે મળેલી ટિકિટ મેટ્રો સ્ટેશન પર જઈને સ્કેન કરવાની રહેશે. જે બાદ જ તમને પ્રવેશ મળશે. અહીં એકવાતનું ધ્યાન રાખવાનું છે કે, આવી ઑનલાઈન ટિકિટ બે કલાક સુધી માન્ય રહેશે
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
