News of Thursday, 19th December 2024
રાજ્યમાં ફુંકાતા ઠંડા પવનોથી લોકો ઠુંઠવાયા : કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવની ચેતવણી જારી
ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની વાપસી: મોટાભાગના જિલ્લાઓમાં ફુંકાતા ઠંડા પવનો

અમદાવાદ :ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં લોકો ઠંડા પવનોના કારણે ઠંઠુવાઈ રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહ્યું છે. ત્યારે હવે હવામાન વિભાગે ગુજરાતના 3 જિલ્લાઓમાં આગામી 2 દિવસ સુધી કોલ્ડવેવની ચેતવણી જારી કરી છે.
હવામાન વિભાગ દ્વારા 19 ડિસેમ્બર એટલે કે આજે કચ્છ, પોરબંદર અને રાજકોટમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શુષ્ક હવામાન રહી શકે છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની વાપસી થઈ છે.
આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડી શકે છે. આગામી પાંચ દિવસોમાં તાપમાનમાં 1-2 ડિગ્રીની વધ-ઘટ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વાનીની આગાહી પ્રમાણે, આ વર્ષે 5 વર્ષની રેકોર્ડતોડ ઠંડી પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 12.8 ડિગ્રી, ડીસામાં 12.8, અમરેલીમાં 9.8, રાજકોટમાં 9.3, ભુજમાં 10.6, અમદાવાદમાં 14.8, સુરતમાં 15.2, કંડલા પોર્ટમાં 13.5, ભાવનગરમાં 14.4, દ્વારકામાં 16.2, વેરાવળમાં 16.6 અને ઓખામાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
